અમદાવાદ: શહેરમાં વહેલી સવારથી જ વાતારવણ વાદળછાયું જોવા મળી રહ્યું છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં સવારથી જ કાળાડિબાંગ વાદળો આકાશમાં જોવા મળી રહ્યા છે. સવારથી જ વરસાદ બંધ-ચાલુ થઈ રહ્યો છે. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસી રહ્યો છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. 
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નરોડા, એરપોર્ટ રોડ અને ઇન્દિરા બ્રિજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત ચાંદખેડા, મોટેરા, જગતપુર, ચેનપુર અને એસ.પી. રિંગ રોડ પર સતત વરસાદી ઝાપટાં ચાલુ રહેતાં સમગ્ર પંથક જળબંબાકાર બન્યો છે.
પશ્ચિમ અમદાવાદમાં પણ વરસાદે જોર પકડ્યું છે. વિજય ચાર રસ્તા, ગુજરાત યુનિવર્સિટી રોડ, ગુલબાઈ ટેકરા અને કોમર્સ સિક્સ રોડ સહિતના પોશ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. સતત વરસતા પાણીના કારણે માર્ગો પર જળભરાવની સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણીના નિકાલની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.
સંભવિત આફત અને મુશ્કેલીઓને ટાળવા માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરવા ઉપરાંત નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.




