ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હેમિલ્ટનમાં રમાનાર ત્રીજી વનડે મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. મંગળવારે હેમિલ્ટનમાં સતત વરસાદ પડવાને કારણે એક પણ બોલ ફેંક્યા વગર જ મેચને રદ કરવાની ફરજ પડી હતી. વરસાદના કારણે મેચનો પ્રારંભ અગાઉથી જ મોડો થયો હતો અને નિર્ધારિત સમય કરતાં બે કલાકથી વધુ સમયના વિલંબ બાદ ટૉસ યોજાયો હતો. ભારતીય કપ્તાને ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ટૉસ થતાની સાથે જ ફરીથી વરસાદ શરૂ થઈ જતાં મેચ શરૂ થઈ શકી ન હતી.

પ્રારંભમાં વરસાદ હળવો લાગતો હતો, પરંતુ સમય જતાં તે વધુ તેજ બન્યો હતો. સતત વરસી રહેલા પાણીના કારણે પિચને કવરથી ઢાંકી દેવામાં આવી હતી અને અમ્પાયરો દ્વારા મેદાનનું બેથી ત્રણ વખત નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. વરસાદ રોકાઈ-રોકાઈને ચાલુ જ રહેવાને કારણે મેચ શરૂ થવાની કોઈ શક્યતા નહોતી રહી. કટ-ઓફ સમય બાકી હોવા છતાં હેમિલ્ટનમાં આખો દિવસ વરસાદ ચાલુ રહેવાની હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને આખરે મેચને રદ જાહેર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ મેચોની આ વનડે શ્રેણીમાં ભારત હાલ 2-0થી આગળ છે. ભારત પાસે આ મુકાબલો જીતીને શ્રેણી પોતાના નામે કરવાની સોનેરી તક હતી, પરંતુ આ મેચ ધોવાઈ જતાં ટીમ ઈન્ડિયાએ શ્રેણી જીતવા માટે થોડી રાહ જોવી પડશે. હવે આ શ્રેણીની ચોથી મેચ આગામી શુક્રવારે માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમવામાં આવશે.
દર્શકોમાં ભારે નિરાશા વ્યાપી
હેમિલ્ટનનાં મેદાન પર મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. વરસાદની આગાહી હોવા છતાં ક્રિકેટપ્રેમીઓને આશા હતી કે તેમને રોમાંચક મુકાબલો જોવા મળશે. ખાસ કરીને અનેક દર્શકો રોહિત શર્મા અને વિરાટ કોહલીને બેટિંગ કરતા જોવા માટે ભારે ઉત્સુક હતા. જોકે, મેચ રદ થવાથી ચાહકોને ભારે નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલી હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે, જોકે ગત મેચમાં તેઓ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. આ ઉપરાંત, રોહિત શર્મા પણ ન્યુઝીલેન્ડની ધરતી પર એક મોટી ઇનિંગ રમવા માટે આતુર છે.
ભારતે પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો
આ મેચ અગાઉ ભારતીય કપ્તાન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કપ્તાન ગિલે સ્પષ્ટ કર્યું હતું કે ભારતે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી અને વિજયી ટીમ સાથે જ મેદાનમાં ઉતરી છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડે પોતાની ટીમમાં એક ફેરફાર કરીને મેથ્યુ ફિશરને તક આપી હતી. પરંતુ કુદરતના ખરાબ મિજાજ આગળ ખેલાડીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને વરસાદના વિઘ્નથી મેચ રદ કરવી પડી હતી.



