કોના નામે પડ્યો જરીનાબેનનો વોટ? કોંગ્રેસ ઉમેદવારે લગાવ્યો બોગસ વોટિંગનો આરોપ

12

રાજકોટમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બોગસ મતદાનનો કિસ્સો સામે આવતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. શહેરના વોર્ડ નંબર 4 માં આવેલી શાળા નંબર 4 ના મતદાન મથકે આ ગંભીર બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં બૂથ નંબર 16 પર જરીનાબેન નામના એક મહિલા મતદાર જ્યારે વોટ આપવા માટે પહોંચ્યા, ત્યારે મતદાન મથક પર હાજર સ્ટાફે જણાવ્યું કે તેમના નામે અન્ય કોઈ વ્યક્તિ પહેલેથી જ વોટ આપીને જતું રહ્યું છે. આ જાણીને જરીનાબેન અને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

અધિકારીએ માફી માંગી પણ લોકોમાં રોષ યથાવત

પોતાના મતાધિકારના દુરુપયોગની જાણ થતા જ જરીનાબેને તાત્કાલિક વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે મતદાન મથક પર મતદારો અને ચૂંટણી સ્ટાફ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી અને વાતાવરણ તંગ બની ગયું હતું. મામલો બિચકતા જોઈ બૂથ અધિકારીએ પોતાની ભૂલ સ્વીકારી જાહેર માફી માંગી હતી. જોકે, ઓળખપત્રની તપાસ કર્યા વગર કોઈ અજાણી વ્યક્તિ જરીનાબેનના નામે કેવી રીતે મતદાન કરી શકે, તેવા ગંભીર સવાલો મતદારોએ ઉઠાવ્યા છે.

કોંગ્રેસ ઉમેદવારે તંત્ર પર કર્યા પ્રહારો

આ વિવાદની જાણ થતા જ કોંગ્રેસના ઉમેદવાર મહેશ રાજપૂત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તંત્રને આડે હાથ લીધું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ અને વહીવટી તંત્રની બેદરકારીને કારણે લોકશાહીના પર્વમાં આવી ગેરરીતિઓ થઈ રહી છે. મહેશ રાજપૂતે સવાલ કર્યો હતો કે ચુસ્ત સુરક્ષા અને સ્ટાફ હોવા છતાં આ બોગસ મતદાન કોની રહેમનજરે થયું? તેમણે આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી કસૂરવાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.