બોલિવૂડના જાણીતા કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવ બુધવારે પોતાના વર્ષ 2010 થી ચાલી રહેલા બહુચર્ચિત ચેક બાઉન્સ કેસના સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર થયા હતા. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ (CJI) સૂર્ય કાન્ત અને રાજપાલ યાદવ વચ્ચે રસપ્રદ અને હળવી વાતચીત જોવા મળી હતી. આ દરમિયાન રાજપાલે પોતાની આગામી ફિલ્મ અંગે એક મોટો ખુલાસો પણ કર્યો હતો.

“13 વર્ષમાં Rs 250 Crore નું નુકસાન વેઠ્યું”
સુનાવણી દરમિયાન જ્યારે CJI એ રાજપાલને પૂછ્યું કે, “કંઈક નવું બનાવી રહ્યા છો કે નહીં?”, ત્યારે રાજપાલે વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો હતો, સર, હું આપને પ્રણામ કરું છું. મેં 200 થી 250 ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ છેલ્લા 13 વર્ષોમાં મેં Rs 200 થી 250 કરોડનું ભારે નુકસાન સહન કર્યું છે. ફિલ્મ ‘અતા પતા લપતા’ માં જ મારા Rs 17 કરોડ ડૂબી ગયા હતા. આટલા વર્ષોમાં મારી ખૂબ બદનામી થઈ છે, હવે તો હું પોતે જ એક ડ્રામા બની ગયો છું. આ સાંભળીને CJI સૂર્ય કાન્તે તેમને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, કોઈ સારી ફિલ્મ બનાવીને લોકોનું મનોરંજન કરો, તમારી પ્રતિષ્ઠા ફરી પાછી આવી જશે. આપણી કોર્ટમાં પણ ઘણા એડવોકેટ સારા એક્ટર છે, તેમને પણ તમારી ફિલ્મમાં કોઈ રોલ આપી દેજો.
’16 સાવન જેલ કે’ ફિલ્મની ઘોષણા
CJI ની વાતનો જવાબ આપતાં રાજપાલ યાદવે પોતાની આગામી ફિલ્મનું નામ જાહેર કર્યું હતું. તેમણે કોર્ટને જણાવ્યું કે, “સર, 2010 થી 2016 દરમિયાન મારી સાથે જે પણ બન્યું, તેના પર જ હું મારી આગામી ફિલ્મ બનાવી રહ્યો છું. અમે તેનું ટાઇટલ ’16 સાવન જેલ કે’ નક્કી કર્યું છે.” આ ફિલ્મ રાજપાલના જીવનની આ વાસ્તવિક કાનૂની લડાઈ અને સંઘર્ષની આસપાસ વણાયેલી હશે.
સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત
ચેક બાઉન્સના આ મામલે રાજપાલ યાદવ પોતે Rs 1.15 Crore નો ડિમાન્ડ ડ્રાફ્ટ લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમણે જજને ખાતરી આપી હતી કે તેઓ પોતાની પૂર્વજ સંપત્તિના ખરીદદાર મારફતે બાકીની Rs 85 Lakh ની રકમ આગામી 13 October સુધીમાં કોર્ટમાં જમા કરાવી દેશે, જેના પર કોર્ટે તેમને રાહત આપી હતી.




