રામ મંદિર ચઢાવા કેસ: ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આપ્યું રાજીનામું

અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ પણ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. અયોધ્યાના રામ મંદિરમાં ચઢાવા અને દાનની રકમમાં થયેલી કથિત ગેરરીતિને મામલે આ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ માનવામાં આવી રહ્યો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે સંકળાયેલા કૃષ્ણ મોહનની ફરિયાદને આધારે ગુરુવારે સાંજે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે આ કેસમાં આઠ આરોપીઓની ધરપકડ કરી હતી.

ચઢાવાની રકમમાં ગેરરીતિનો મામલો ચર્ચામાં આવતાં ઉત્તર પ્રદેશ સરકારે તેની તપાસ માટે SIT (વિશેષ તપાસ ટીમ)ની રચના કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ SITએ તપાસ રિપોર્ટમાં આકરી ભલામણો કરી હતી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ આ સમગ્ર મામલે ગંભીર હોવાનું જણાવાયું હતું. મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે આ કેસ સંબંધિત કોઈ પણ વ્યક્તિ પાસે પુરાવા હોય તો તે SITને સોંપવા જોઈએ અને દોષિતોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે.

ચઢાવા ગેરરીતિ કેસમાં કોણ-કોણ ઝડપાયા?

  • પોલીસે ધરપકડ કરેલા આઠ આરોપીઓમાં ચંપત રાયના નજીકના ગણાતા રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવનો પણ સમાવેશ થાય છે.
  • ટિન્નુ યાદવના ભત્રીજા મનીષ યાદવની પણ ધરપકડ કરવામાં આવી છે.
  • લવકુશ મિશ્રા અને તેના સંબંધી અનુકલ્પ મિશ્રાને પણ આ કેસમાં ઝડપી લેવામાં આવ્યા છે.
  • મંદિરની રોકડ ગણતરીની દેખરેખની જવાબદારી સંભાળતા અને સીધા અનિલ મિશ્રાને રિપોર્ટ કરતા સુભાષ શ્રીવાસ્તવની પણ પોલીસે ધરપકડ કરી છે.

દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીશું – યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે એક જાહેર સભામાં જણાવ્યું કે SITની રિપોર્ટ બાદ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને સરકાર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને સત્ય બહાર લાવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે સનાતન ધર્મની આસ્થા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરનાર વ્યક્તિને તેનાં પરિણામો ભોગવવાં જ પડશે.