રામ મંદિર દાન વિવાદઃ દોષિતોને ચાર  મહિનામાં સજાની VHP પ્રમુખની માગ

નવી દિલ્હીઃ અયોધ્યાના રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલા દાન અને ચઢાવામાં થયેલી કથિત આર્થિક ગેરરીતિઓ તથા હેરાફેરીના મામલાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આ સંવેદનશીલ મુદ્દે વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોકકુમારે આકરું વલણ અપનાવ્યું છે. તેમણે આ મામલે તાત્કાલિક FIR નોંધવાની અને ઉત્તર પ્રદેશ પોલીસના સૌથી કુશળ અને સક્ષમ અધિકારીઓને તપાસમાં નિયુક્ત કરવાની જોરદાર માગ કરી હતી.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ મામલામાં કોઈ પણ આરોપીને બચાવવામાં ન આવે અને કોઈનો પક્ષપાત પણ ન કરવામાં આવે. તેમણે ઇચ્છા વ્યક્ત કરી કે કેસની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં રોજિંદા ધોરણે કરવામાં આવે, જેથી ચાર મહિનાની અંદર દોષિતોને જેલમાં મોકલી શકાય અને હિંદુ સમાજને સંતોષ મળે.

SIT એ પ્રાથમિક અહેવાલ સોંપ્યો

આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમે (SITએ) મંગળવારે પોતાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ ગૃહ વિભાગના અપર મુખ્ય સચિવ સંજય પ્રસાદને સોંપ્યો હતો. જોકે SITના સભ્ય વિજય વિશ્વાસ પંત (લખનૌના મંડલાયુક્ત) એ અહેવાલની વિગતો હાલ સંપૂર્ણપણે ગોપનીય હોવાનું જણાવ્યું છે.

રિપોર્ટ સોંપાયા બાદ કાનૂની કાર્યવાહી અંગે ભાર મૂકતાં આલોક કુમારે કહ્યું કે આ એક સ્વાભાવિક અને તર્કસંગત પગલું છે. ભલે SIT નો સત્તાવાર રિપોર્ટ હજુ અમારી પાસે નથી, પરંતુ સૌનું કહેવું છે કે આ ઘટનામાં સંડોવાયેલા લોકોની ઓળખ થઈ ગઈ છે. CCTV ફૂટેજને આધારે આ ઓળખ કરવામાં આવી છે. હવે પોલીસે વિલંબ કર્યા વિના FIR નોંધવી જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ હોવી જોઈએ. તેમાં સામેલ દરેક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ થવી જોઈએ અને કોઈ પણ પ્રકારના રાજકીય અથવા બાહ્ય દબાણનો પ્રભાવ ન હોવો જોઈએ.

ચંપત રાયના રાજીનામાની અટકળો અંગે શું કહ્યું?

જ્યારે આલોકકુમારને પૂછવામાં આવ્યું કે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચંપત રાય સહિત કેટલાક લોકોએ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું છે, ત્યારે તેમણે કહ્યું હતું કે તેમને આવા કોઈ રાજીનામાની માહિતી નથી.