રામ મંદિર દાન ચોરી મામલો: સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને નોટિસ જારી કરી

નવી દિલ્હીઃ રામ મંદિરના ચઢાવા (દાન)ની ચોરીના મામલે સુપ્રીમ કોર્ટે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ જારી કરીને એક સપ્તાહમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે તે અમે સમજીએ છીએ. એ સાથે જ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT)નો સ્ટેટસ રિપોર્ટ પણ માગવામાં આવ્યો છે. હાલ આ સ્ટેટસ રિપોર્ટની નકલ અરજદારોને આપવામાં આવશે નહીં. રિપોર્ટ સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. હવે આ મામલે આગામી સુનાવણી 20મી તારીખે એટલે કે સોમવારે થશે.

આ મામલે હિંદુ ધર્મ પરિષદ પણ સુપ્રીમ કોર્ટ પહોંચી છે અને કોર્ટની દેખરેખ હેઠળ દાનની ચોરીની તપાસ કરવાની માગ કરી છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની બેન્ચે આજે કુલ ચાર અરજીઓ પર સુનાવણી શરૂ કરી છે. આમાંથી બે અલગ-અલગ અરજીઓમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે. બીજી એક અરજીમાં CBIની વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસ, પુરાવાઓને સુરક્ષિત રાખવા અને મંદિર ટ્રસ્ટના નાણાકીય વ્યવહારોની ફોરેન્સિક ઓડિટ કરાવવાની માગ કરવામાં આવી છે.

અરજદારોએ નિષ્પક્ષ તપાસની માગ કરી

અરજદારોનું કહેવું છે કે મામલાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ જરૂરી છે. આ અરજીઓમાં વકીલ નરેન્દ્ર કુમાર ગોસ્વામી દ્વારા દાખલ કરાયેલી રિટ અરજી, અજય કુમાર રાય દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ અને અન્ય વિરુદ્ધ દાખલ કરાયેલી ફોજદારી રિટ અરજી તેમ જ આરજેડી (RJD)ના સાંસદ સુધાકર સિંહની અરજીનો સમાવેશ થાય છે.

જાહેર મંદિરનો ચઢાવો પવિત્ર ટ્રસ્ટ સંપત્તિ

વકીલ નરેન્દ્ર ગોસ્વામીએ દાખલ કરેલી અરજીમાં રામ જન્મભૂમિ મંદિરના દાન સંબંધિત દસ્તાવેજો અને પુરાવાઓના સંરક્ષણ તેમ જ મંદિરના ચઢાવાના સંચાલનમાં વધુ પારદર્શિતા લાવવાની માગ કરવામાં આવી છે. અરજીમાં દાન અથવા ચઢાવા સંબંધિત તમામ દસ્તાવેજો, CCTV ફુટેજ અને ડિજિટલ લોગ્સને તાત્કાલિક સુરક્ષિત રાખવાની માગ કરવામાં આવી છે. ઉપરાંત SITની તપાસ સંબંધિત સીલબંધ રિપોર્ટ અને અત્યાર સુધી મળેલા દાન તથા કીમતી વસ્તુઓની સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટ કરવાની માગ પણ કરવામાં આવી છે. કોર્ટને એવી પણ અપીલ કરવામાં આવી છે કે તે રાષ્ટ્રીય મહત્ત્વના મંદિરોમાં જનતા તરફથી મળતા દાન અને ચઢાવાનું પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરવા માટે બંધારણીય માળખું અને સુરક્ષા વ્યવસ્થાઓ ઘડવાના આદેશો આપે.