અયોધ્યાઃ રામ મંદિરના દાનની ચોરી મામલે SITની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આરોપીઓએ કરેલી કથિત લૂંટનું એક પછી એક રહસ્ય ખૂલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચોરીના પૈસાથી ખરીદવામાં આવેલી આરોપીઓની સંપત્તિમાંથી ચઢાવાની ચોરીની રકમ વસૂલવામાં આવશે. એટલું જ નહીં, તપાસ દરમિયાન આરોપીઓનાં બેંક ખાતાંઓમાં તેમની આવક કરતાં અનેક ગણા નાણાકીય વ્યવહારો થયાના પુરાવા પણ મળ્યા છે. છેલ્લા એક વર્ષનાં બેંક ખાતાઓની વિગતોમાં તેમની આર્થિક ક્ષમતા કરતાં ઘણી વધુ રકમના ટ્રાન્ઝેક્શન થયાના પુરાવા સામે આવ્યા છે.
આરોપીઓનાં બેંક ખાતાંઓમાંથી લાખો રૂપિયાના વ્યવહારો
SIT અને પોલીસે આ તમામ નાણાકીય વ્યવહારોને તપાસના મહત્વના પુરાવા તરીકે સામેલ કર્યા છે. આરોપીઓનાં મકાનો, પ્લોટ, હોસ્ટેલ સહિતની વિવિધ સંપત્તિઓની વિગતો એકત્રિત કરીને તેની બજાર કિંમતનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ પોલીસે અનિલ અને ગોપાલને પણ નોટિસ જારી કરી છે. બેંકો પાસેથી આરોપીઓ તથા તેમના પરિવારજનોનાં બેંક ખાતાઓની વિગતો પણ મગાવવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અને તેમના પરિવારજનોનાં ખાતાઓમાં થયેલા ટ્રાન્ઝેક્શન તેમની કાયદેસરની આવક કરતાં ઘણાં વધારે છે. લાખો રૂપિયાના આ વ્યવહારો એ વાત તરફ ઈશારો કરે છે કે મંદિરના દાનમાંથી ચોરી કરાયેલી રકમને અલગ-અલગ રીતે ખર્ચવામાં અથવા છુપાવવામાં આવી હતી.

લવકુશની પત્નીને નામે આવેલી સંપત્તિ પણ તપાસના રડાર પર
અયોધ્યા વિકાસ પ્રાધિકરણે લવકુશની પત્ની સુપ્રિયા મિશ્રાના નામે બની રહેલી મિલકત સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે. પ્રાધિકરણ ટૂંક સમયમાં તેમને નોટિસ જારી કરી શકે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે લવકુશ મિશ્રાએ રામ મંદિરમાં નોકરી દરમિયાન જ સોહાવલ તહસીલના મગસી પરગણા વિસ્તારમાં પોતાની પત્નીને નામે જમીન ખરીદી હતી. 16 ઓક્ટોબર, 2025એ થયેલી આ નોંધણીમાં જમીનની કિંમત માત્ર 8.8 લાખ રૂપિયા દર્શાવવામાં આવી હતી, જ્યારે તેની બજાર કિંમત આશરે 25 લાખ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. પ્રાધિકરણના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ દરમિયાન નોંધ્યું હતું કે મંજૂર નકશા વિના અને નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધકામ ચાલી રહ્યું હતું. નોટિસમાં પૂછવામાં આવશે કે બાંધકામ માટે સત્તાવાર નકશો મંજૂર કરાવવામાં આવ્યો હતો કે નહીં. સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા માટે સમયમર્યાદા આપવામાં આવશે. જો એક સપ્તાહમાં સંતોષકારક જવાબ નહીં મળે તો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.




