રામ મંદિર ચઢાવા મામલોઃ તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હીઃ અયોધ્યાના રામ મંદિરના ચઢાવામાં કથિત ગેરરીતિનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. જોકે સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી છે. કોર્ટે અરજદારને પ્રશ્ન કર્યો કે આ મામલે એટલી ઉતાવળ શા માટે છે?  હવે આ કેસ પર કોર્ટની ઉનાળાની રજાઓ પૂર્ણ થયા બાદ નિયમિત બેન્ચ સમક્ષ સુનાવણી થશે. અરજદારે દલીલ કરી હતી કે પ્રશાસનનું અત્યાર સુધીનું વલણ પણ અનેક પ્રશ્નો ઊભા કરે છે. એ ઉપરાંત પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા હોવાથી પણ વહેલી સુનાવણી જરૂરી હોવાનું અરજદારે જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હાલના તબક્કે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાની જરૂર જણાતી નથી. કોર્ટે આ અરજીને રજાઓ બાદ નિયમિત બેન્ચ સમક્ષ યાદીબદ્ધ કરવાનો આદેશ આપ્યો છે.

અરજીમાં શું માગ કરવામાં આવી છે?

આ અરજીમાં રામ જન્મભૂમિમાં મળેલા દાનમાં થયેલી કથિત ગેરરીતિ અંગે FIR નોંધવાની માગ કરવામાં આવી છે. એ સાથે જ કોર્ટની દેખરેખ હેઠળ CBIની વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા સમગ્ર મામલાની તપાસ કરાવવાની માગ પણ કરવામાં આવી છે.

અત્યાર સુધી શું કાર્યવાહી થઈ?

રામ મંદિર ચઢાવા ગેરરીતિ મામલે પોલીસ અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી ચૂકી છે. જેમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવ કુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રામશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને રામાશંકર ઉર્ફે ટિન્નુ યાદવનો સમાવેશ થાય છે.

આ તમામ લોકો મંદિરમાં દાનરૂપે આવેલી રોકડ રકમ અને કીમતી સામાનની ગણતરી સાથે જોડાયેલા હતા. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કર્મચારી દ્વારા ચોરી, ગુનાહિત વિશ્વાસઘાત, ચોરીનો માલ સ્વીકારવો, ગુનાહિત કાવતરું તેમ જ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ વિવિધ કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ FIR ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની SITની પ્રાથમિક તપાસ રિપોર્ટની ભલામણને આધારે નોંધવામાં આવી હતી. તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં આરોપીઓ પાસેથી રૂ. 79.85 લાખની રોકડ રકમ પણ જપ્ત કરી છે.