અમદાવાદ: રંગોળી એ ભારતમાં ઉત્સવો તહેવાર અને શુભ પ્રસંગે ઘર આંગણે, ઓસરી , ખંડમાં વિવિધ રંગો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવે છે. દરેક પ્રાંતમાં ઉપલબ્ધ રંગોથી ઉત્સવ પ્રમાણે આકૃતિ તૈયાર કરી લાગણીને વ્યક્ત કરવામાં આવે છે.
જેમાં ધાર્મિક માન્યતાઓ ફૂલ છોડથી માંડી રચનાત્મક આકૃતિઓ તૈયાર કરી રંગોળી પૂરવામાં આવે છે. જેમાં ચૂનાના પત્થર, લાલ ગેરુ, સૂકા ચોખાનો લોટ, રંગીન રેતી, પાવડર, ફૂલોની પાંખડીઓ અને રંગીન ખડકો જેવી સામગ્રીનો ઉપયોગ કરીને ફ્લોર સજાવવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે ભારતના કેટલાક પ્રાંતમાં હિંદુ ઘરોમાં રોજ રંગોળી પૂરવાની પ્રથા છે.
રંગોળી તૈયાર કરતી વખતે આકૃતિ અને રંગ પૂરણીમાં સમય લાગે છે. જેથી રંગોળી સામાન્ય રીતે દિવાળી તિહાર, ઓણમ, પોંગલ, ઉગાદી જેવા મોટા હિંદુ તહેવારોમાં વધારે જોવા મળે છે.
આ સાથે યજ્ઞ કે હોમ હવન વેળાએ વેદીની આસપાસ આરાધ્ય દેવના સાંનિધ્યમાં રંગોળી પૂરવામાં આવે છે. કેટલાક ગોવા, દિલ્હી સહિત કેટલાક સ્થળોએ ફૂલોની રંગોળી સજાવટ કરવામાં આવે છે.
રંગોળી પાછળ વિજ્ઞાન પણ જોડાયેલું છે. સ્ત્રી કે પુરુષ રંગોળી બનાવતા જુદી જુદી મુદ્રા દ્વારા રંગોળી બનાવે છે. જેનાથી મનની સાથે શરીરને પણ કસરત મળે છે. બીજી તરફ રંગોળી કરતાં પહેલાં સાફ સફાઇ કરવી જરૂરી બની જાય છે. એટલે પ્રવેશ દ્વારમાં જ સકારાત્મક વિચારો સાથેની કલાત્મક રંગોળીથી આંગણ અને ઘર દીપી ઉઠે છે.
દરિદ્રતાને અવકાશ રહેતો નથી. યોગ્ય રંગો પાવડરના ઉપયોગ થી જીવ જંતુઓનો પ્રવેશ પણ અટકે છે. માન્યતા પ્રમાણે ઘરમાં ખુશી સાથે લક્ષ્મીનો પ્રવેશ થાય છે. રાજ્ય અને સંસ્કૃતિના આધારે અલગ અલગ નામો છે. રંગોળી સંસ્કૃત શબ્દ ‘ રંગવલ્લી ‘ પરથી આવ્યો છે.
દિવાળીમાં ઘણાં વર્ષોથી આંગણ અને મુખ્ય ખંડને રંગોળીથી સજાવતા અમદાવાદના ડો. ધરા કાપડિયા એ આ વર્ષે રામલલ્લાના 14 વર્ષના વનવાસથી પ્રેરિત થીમ આધારિત રંગોળી તૈયાર કરી છે. આ સાથે દશ ફૂટ કરતાંય મોટી રંગોળીમાં આઠ કિલો જેટલા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ડો. ધરા કાપડિયા ચિત્રલેખા.કોમને કહે છે. આ વર્ષે રામલલ્લાની સાથે ગણપતિ, હનુમાન, શિવલિંગ, કાલીમાતા, કમળ, જાસુદ, શુભ લાભ, મીઠાઇ ,કળશ, ફટાકડા, દીવા, સ્વસ્તિક, ઓમ, મોરને રંગોળીમાં આવરી લીધા છે. સૌથી મહત્વની વાત આ સ્પેશિયલ રંગોળીને નિહાળવા માટે દિવાળી પછી પણ ઘણાં મિત્રો મહેમાનો ખાસ ઉપસ્થિત રહે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)




