અગરિયાના બાળકો માટે ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ રણશાળા

ગાંધીનગર: રાજ્યમાં સર્વસમાવેશી શિક્ષણ સુનિશ્ચિત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સરકાર દ્વારા અંતરિયાળ રણ અને મીઠું પકવતા વિસ્તારોમાં રહેતા અગરિયા પરિવારોના બાળકોને અવિરત શિક્ષણ મળી રહે તે માટે નવીન ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ (School on Wheels) એટલે કે ‘રણશાળા’ પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્યભરમાં યોજાયેલા ‘શાળા પ્રવેશોત્સવ’ના પ્રારંભ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પથિકાશ્રમ એસ.ટી. ડેપો ખાતેથી આવી ૨૮ રણશાળા બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા અભિયાન, શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના સંયુક્ત ઉપક્રમે અમલમાં મુકાયેલો આ પ્રોજેક્ટ, મીઠાનું ઉત્પાદન કરતા વિસ્તારોમાં મોસમી સ્થળાંતર કરતા પરિવારોના ૬ થી ૧૪ વર્ષના બાળકો સામેના શૈક્ષણિક પડકારોને દૂર કરવાનો એક મોટો પ્રયાસ છે. આ અંતર્ગત GSRTCની નિવૃત્ત થઈ ચૂકેલી બસોને જ અદ્યતન શૈક્ષણિક સ્પેસમાં રૂપાંતરિત કરીને ‘વેસ્ટમાંથી બેસ્ટ’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ ૨૮ બસો પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં સૌથી વધુ ૨૦, પાટણના સાતલપુરમાં ૪, કચ્છના અંજારમાં ૨ તેમજ મોરબીના માળિયામાં ૨ બસો કાર્યરત થશે.

આ રણશાળા બસોની વિશેષતાઓની વાત કરીએ તો, તે ૩.૮ KVA ઓફ-ગ્રીડ સોલાર પાવર પ્લાન્ટથી સજ્જ છે, જે વીજળીના જોડાણ વિના પણ ૪૮ કલાક સુધી ક્લાસરૂમ કાર્યરત રાખવા સક્ષમ છે. આ સોલાર સંચાલિત ક્લાસરૂમમાં ૨૦થી વધુ બાળકોની બેઠક વ્યવસ્થા સાથે ૪૩ ઇંચના સ્માર્ટ ટીવી, ડિશ ટીવી કનેક્ટિવિટી દ્વારા શૈક્ષણિક ચેનલો, એફએમ રેડિયો, એલઇડી લાઇટિંગ, વોલ ફેન અને ઓનલાઈન શિક્ષણને સપોર્ટ કરતા સાધનો ઉપલબ્ધ છે. રણની વિષમ આબોહવા વચ્ચે પણ બાળકો ઉત્સાહભેર અભ્યાસ કરી શકે તે માટે ક્લાસરૂમમાં પોર્ટેબલ સ્ટડી ટેબલ, ફોલ્ડ કરી શકાય તેવા આઉટડોર શેડ્સ, બ્લેકબોર્ડ-વ્હાઇટબોર્ડ, શુદ્ધ પીવાનું પાણી અને સમર્પિત લાઇબ્રેરી સ્પેસ બનાવવામાં આવી છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે બસમાં ઇન્ડોર-આઉટડોર રમતો (લુડો, સાપ-સીડી, હિંચકા, લપસણી, બાસ્કેટબોલ) અને હેલ્થ મોનિટરિંગ માટે BMI ચાર્ટ પણ રાખવામાં આવ્યા છે. સુરક્ષા માટે ઈમરજન્સી એક્ઝિટ અને અગ્નિશામક ઉપકરણો મુકાયા છે. આ અનોખી પહેલથી રણ વિસ્તારના બાળકોમાં શૈક્ષણિક ડ્રોપઆઉટ રેશિયો ઘટશે અને મોસમી સ્થળાંતરને કારણે ખોરવાતું શિક્ષણ અટકાવી શકાશે, જે આગામી સમયમાં સમગ્ર દેશ માટે એક આદર્શ મોડેલ સાબિત થશે.