બેગુસરાયઃ બિહારના બેગુસરાય જિલ્લામાંથી કાયદો-વ્યવસ્થા અને સામાજિક મૂલ્યોને શરમજનક રીતે પડકારતી એક અત્યંત ભયાનક ઘટના બની છે. અહીં દુષ્કર્મ પીડિતાને ન્યાય આપવાને બદલે ગામની પંચાયતે જ તેને દોષિત ઠેરવી જાહેરમાં થૂંક ચાટવાની, કાન પકડીને ઊઠક-બેઠક કરવાની અને ઘૂંટણિયે બેસવાની સજા ફટકારી હતી. આ અમાનવીય ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થતાં અને લોકોમાં ભારે રોષ ફેલાતાં સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે.
પંચાયતનો બર્બર નિર્ણય અને અમાનવીય વર્તન
બે બાળકોની માતા એવી પીડિતાએ આરોપ લગાવ્યો છે કે ગામની જ એક વ્યક્તિએ જૂનની શરૂઆતમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પીડિતાના જણાવ્યા મુજબ આરોપી બીજી જૂન અને ચોથી જૂનની રાત્રે તેના ઘરે ઘૂસી આવ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાના સમયે કેટલાક ગ્રામજનોએ આરોપીને પીડિતાના ઘરમાંથી બહાર નીકળતા જોયો હતો. તેમ છતાં પીડિતાની વાત સાંભળવાને બદલે ગામની પંચાયતે તેના પર જ ગેરકાયદે સંબંધ હોવાનો આરોપ મૂક્યો હતો. અહેવાલ અનુસાર પંચાયતે સેકડો ગ્રામજનોની હાજરીમાં મહિલાને ઘૂંટણિયે બેસાડી, કાન પકડાવ્યા અને જમીન પર થૂંક ચાટવા માટે મજબૂર કરી હતી.
🚨Bizarre news from Bihar: Kangaroo court (panchayat) forced woman to hold her ears and lick spit on the road after she alleged that she was raped by her neighbour.
Case filed, probe underway
📍BEGUSARAI pic.twitter.com/k4QBAMMSzV
— Karan Singh / करन सिंह (@Journo_Karan) August 3, 2026
વિડિયો વાયરલ થતાં પોલીસ સક્રિય થઈ
પીડિતાના જણાવ્યા મુજબ જ્યારે તે અને તેનો પતિ (જે તામિલનાડુમાં મજૂરી કરે છે) ફરિયાદ નોંધાવવા સ્થાનિક પોલીસ સ્ટેશન ગયા હતા, ત્યારે પોલીસે શરૂઆતમાં કેસ નોંધવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટના પાંચ જૂને બની હતી, પરંતુ 31 જુલાઈએ જ્યારે આ અપમાનજનક વર્તનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે જ બેગુસરાય પોલીસે આ મામલે સત્તાવાર FIR નોંધાવી. દુષ્કર્મનો મુખ્ય આરોપી ઘટના બાદથી ફરાર છે અને પોલીસ તેની શોધ માટે સતત દરોડા પાડી રહી છે. બેગુસરાય પોલીસ પ્રશાસને જણાવ્યું છે કે વિડિયોની સત્યતા ચકાસવામાં આવી રહી છે અને ઘટનામાં સામેલ પંચાયતના અન્ય પ્રભાવશાળી લોકો તેમ જ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.



