રિઝર્વ બેન્કે રેપો રેટ 5.25 ટકા પર યથાવત્: રાખ્યા EMI નહીં વધે

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક (RBI)ની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠક બાદ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેને 5.25 ટકા પર યથાવત્ રાખ્યા છે. એ સાથે જ કેન્દ્રીય બેંકે પોતાની મોનેટરી પોલિસીનો ‘ન્યુટ્રલ’ (તટસ્થ) અભિગમ પણ યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે.

GDP વૃદ્ધિનો અંદાજ વધાર્યો

RBIએ ચાલુ નાણાકીય વર્ષ માટે દેશની GDP વૃદ્ધિનો અંદાજ 6.6 ટકાથી વધારીને 6.7 ટકા કર્યો છે. બીજી તરફ મોંઘવારી (ઇન્ફ્લેશન)નો અંદાજ 5.1 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે.

રેપો રેટમાં કોઈ ફેરફાર ન થતાં હાલમાં હોમ લોન અને કાર લોનની EMIમાં વધારો થવાની શક્યતા નથી. બજારના નિષ્ણાતોએ પણ અગાઉથી જ અનુમાન વ્યક્ત કર્યું હતું કે ઓગસ્ટની નીતિ સમીક્ષામાં RBI રેપો રેટમાં કોઈ ફેરફાર કરશે નહીં. નિષ્ણાતોનું કહેવું છે કે RBIની નજર હજુ પણ મોંઘવારી પર રહેશે અને આગામી નીતિગત નિર્ણયો મુખ્યત્વે ઇન્ફ્લેશનના આંકડાઓ પર આધારિત રહેશે.

ત્રણ દિવસીય MPC બેઠકમાં લેવાયો નિર્ણય

RBIનું માનવું છે કે વૈશ્વિક પરિસ્થિતિઓ હજુ પણ અનિશ્ચિત છે, તેથી આગળના નિર્ણયોમાં સાવચેતી રાખવામાં આવશે.

GDP વૃદ્ધિ 6.7 ટકા રહેવાની ધારણા

 SBI રિસર્ચનું માનવું છે કે એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રની વૃદ્ધિ આશરે સાત ટકા રહી શકે છે. જો આગામી સમયમાં અર્થતંત્રનું પ્રદર્શન મજબૂત રહેશે તો RBI આગળના સમયમાં GDP વૃદ્ધિના અંદાજમાં વધુ વધારો પણ કરી શકે છે.

ઓક્ટોબરની નીતિ બેઠક પર રહેશે નજર

નિષ્ણાતોને મતે હાલ RBIએ રેપો રેટમાં કોઈ વધારો કર્યો નથી, પરંતુ જો મોંઘવારી વધશે તો આગામી સમયમાં વ્યાજદરમાં વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન મોંઘી થઈ શકે છે અને હાલના લોનધારકોની EMIમાં પણ વધારો થઈ શકે છે. જો કે હાલ માટે હોમ લોન અને કાર લોન લેનારાઓને રાહત મળી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી નિર્ણય સંપૂર્ણપણે ઇન્ફ્લેશનના આંકડાઓ પર આધારિત રહેશે. જો મોંઘવારી નિયંત્રણમાં રહેશે તો ઓક્ટોબરની મોનિટરી પોલિસી બેઠકમાં પણ રેપો રેટ યથાવત્ રાખવામાં આવી શકે છે.