નવી દિલ્હીઃ આરબીઆઈએ (RBI) મોનેટરી પોલિસીની જાહેરાત કરી છે અને રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે રેપો રેટ 5.25 ટકા પર યથાવત્ રહેશે. આ નિર્ણયની પહેલેથી જ અપેક્ષા હતી, કારણ કે મોટા ભાગના અર્થશાસ્ત્રીઓનું માનવું હતું કે જૂનની મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આ જાહેરાત કરી હતી.
હોમ લોન, કાર લોન સહિત અન્ય લોનની EMI નહીં વધે
રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાનો અર્થ એ છે કે હાલ માટે હોમ લોન, કાર લોન અને અન્ય લોનના વ્યાજદરમાં પણ કોઈ ફેરફાર નહીં થાય. જેને કારણે લોનધારકોની EMI હાલમાં ન તો વધશે અને ન તો ઘટશે.
મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક ત્રીજી જૂનથી શરૂ થઈ હતી. આ બેઠક એવા સમયે યોજાઈ જ્યારે અર્થતંત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. મધ્ય પૂર્વમાં વધેલા તણાવને કારણે કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ના ભાવ ઊંચા ગયા છે. તેને પરિણામે ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, જેનાથી મોંઘવારી વધવાનો ભય ઊભો થયો છે.
2026માં અત્યાર સુધી રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં
છેલ્લે ડિસેમ્બર, 2025માં RBIએ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. ત્યાર બાદ 2026ની અગાઉની બે પોલિસી બેઠકોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. આ વખતે પણ સ્થિતિ યથાવત્ રાખવામાં આવી છે. તેનું મુખ્ય કારણ વધતા ક્રૂડ ઓઇલના ભાવ અને તેના કારણે મોંઘવારી વધવાની શક્યતા છે.
#WATCH | The Monetary Policy Committee has decided to keep the policy repo rate unchanged at 5.25%, and to maintain a neutral stance, announces RBI Governor Sanjay Malhotra #RBI #MonetaryPolicy #MPC pic.twitter.com/q9marLd8eu
— DD News (@DDNewslive) June 5, 2026
RBIનું વલણ ‘ન્યુટ્રલ’ યથાવત્
આ વખતે અર્થશાસ્ત્રીઓ ખાસ કરીને એ જાણવા ઉત્સુક હતા કે RBI નીતિગત વલણમાં ફેરફાર કરશે કે નહીં. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે RBIનું વલણ ‘ન્યુટ્રલ’ જ રહેશે. જોકે કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આવનારા સમયમાં કેન્દ્રીય બેંક વધુ આકરું વલણ અપનાવી શકે છે.
GDP વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો
RBIએ ચાલુ નાણાકીય વર્ષ માટે દેશની GDP વૃદ્ધિનો અંદાજ 6.9 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યો છે. કેન્દ્રીય બેંકના જણાવ્યા મુજબ ઊંચી ઊર્જા કિંમતો, સપ્લાયમાં અવરોધ અને વધતા ઇનપુટ ખર્ચના કારણે આર્થિક પ્રવૃત્તિઓ પર અસર પડી રહી છે, જે GDP વૃદ્ધિને અસર કરશે. કેન્દ્રીય બેંકે રિટેલ મોંઘવારીનો અંદાજ 0.5 ટકા વધારીને 5.1 ટકા કર્યો છે.






