Re-NEET 2026 : દેશભરમાં લોખંડી સુરક્ષા વચ્ચે નીટની પુનઃપરીક્ષા

સમગ્ર દેશમાં તીવ્ર વિરોધ, વાલીઓનો આક્રોશ અને લાખો વિદ્યાર્થીઓની ભવિષ્ય અંગેની ચિંતાઓ વચ્ચે આજે, ૨૧ જૂનના રોજ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG 2026) ની પુનઃપરીક્ષા યોજાઈ રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માટે પ્રતિષ્ઠાનો સવાલ બનેલી આ પરીક્ષા ભારત સહિત વિદેશના વિવિધ કેન્દ્રો પર એકસાથે લેવામાં આવી રહી છે. જો કે, પરીક્ષાના પ્રારંભ પહેલાં જ એક મોટો આંકડો સામે આવ્યો છે, જેમાં ગુજરાતના આશરે ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ સહિત સમગ્ર દેશના ૧.૫ લાખથી વધુ ઉમેદવારોએ ગઈકાલ મોડી સાંજ સુધી પોતાની હોલ ટિકિટ (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી નથી. આ પરિસ્થિતિને જોતા નિષ્ણાતો અંદાજ લગાવી રહ્યા છે કે આ તમામ વિદ્યાર્થીઓ કદાચ આજના આ શૈક્ષણિક મહાજંગમાં ગેરહાજર રહેશે.

નોંધનીય છે કે, NTA દ્વારા ગત ૩ મેના રોજ લેવાયેલી નીટ પરીક્ષા બાદ દેશભરમાં પેપર લીક થવાની શરમજનક ઘટનાઓ અને વ્યાપક અનિયમિતતાઓ સામે આવી હતી, જેના લીધે તંત્રને આ પરીક્ષા રદ્દ કરવાની ફરજ પડી હતી. આજે આ પરીક્ષા ભારતના ૫૫૧ શહેરોમાં અને વિદેશના ૧૪ કેન્દ્રો સહિત કુલ ૫,૪૪૦ કેન્દ્રો પર લેવાઈ રહી છે. આ વખતની પરીક્ષામાં એનટીએ દ્વારા એક મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રથમવાર ૧૫ મિનિટનો વધારાનો સમય ફાળવાયો છે, એટલે કે હવે આ પરીક્ષા સવા ત્રણ કલાકની રહેશે. એડમિટ કાર્ડ ડાઉનલોડ ન કરનારા વિદ્યાર્થીઓની સંખ્યાને બાદ કરતાં હવે આશરે ૨૧ લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપે તેવો અંદાજ છે, જ્યારે અગાઉ પ્રથમ પ્રયાસમાં ૨૨.૭૯ લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા.

ગુજરાત રાજ્યની વાત કરીએ તો આ વખતે વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના અમદાવાદ સહિત કુલ ૩૧ મહત્વના શહેરોમાં ૨૧૧ પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાંથી કુલ ૭૮,૮૦૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. રાજ્યના સૌથી મોટા શૈક્ષણિક હબ ગણાતા અમદાવાદ શહેરમાં કુલ ૨૩ સેન્ટરો ફાળવવામાં આવ્યા છે, જેમાં માત્ર અમદાવાદના જ ૧૦,૫૦૦થી વધુ હોનહાર વિદ્યાર્થીઓ ડૉક્ટર બનવાના પોતાના સપના સાથે પરીક્ષા ખંડમાં બેસશે.

પેપર લીક માફિયાઓ પર સકંજો કસવા માટે આ વખતે સરકારે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરી છે. પ્રથમવાર ઇતિહાસમાં ઇન્ડિયન એરફોર્સ (Air Force) ની કડક સુરક્ષા અને સુપરવિઝન હેઠળ પરીક્ષાના પ્રશ્નપત્રોને સુરક્ષિત રીતે કેન્દ્રો સુધી વહેલાસર પહોંચાડવામાં આવ્યા છે. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા દરમિયાન ‘ફાઇવ લેયર’ (૫ સ્તરીય) ચુસ્ત સુરક્ષા કવચ તૈયાર કરાયું છે. અમદાવાદના ૨૩ કેન્દ્રોમાંથી ૧૨ સેન્ટરો પર સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને બાકીના ૧૧ કેન્દ્રો પર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) નો કમાન્ડો બંદોબસ્ત તહેનાત છે. દરેક કેન્દ્ર પર પેરામિલીટરી ફોર્સના બે-બે જવાનો ઉપરાંત ગુજરાત પોલીસના ૮ જવાનો સહિત ૪૦ થી ૫૦ કર્મચારીઓનો વહીવટી સ્ટાફ ગેરરીતિ અટકાવવા માટે ખડેપગે હાજર છે.