કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસ (TMC)થી અલગ થઈને ત્રિપુરા સ્થિત ‘નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા’ (NCPI)માં જોડાયેલા બળવાખોર સાંસદોના જૂથમાં મોટા ભંગાણના સંકેતો વચ્ચે રાજકારણ ગરમાયું છે. કુંચબિહારના બળવાખોર સાંસદ જગદીશ ચંદ્ર બર્મા બાસુનિયાએ સોમવારે દાવો કર્યો હતો કે NCPI સાથે જોડાયેલા ૨૦માંથી ૧૭ સાંસદો દુર્ગા પૂજાની આસપાસ ભાજપમાં જોડાઈ શકે છે.
બાસુનિયાના જણાવ્યા અનુસાર, ૧૭માંથી ૧૪ સાંસદો ઔપચારિક રીતે ભાજપમાં જોડાશે જેથી પક્ષપલટા વિરોધી કાયદા (Anti-Defection Law)ના દંડથી બચી શકાય. જ્યારે લઘુમતી સમુદાયના ૩ સાંસદો (અબુ તાહેર ખાન, ખલીલુર રહેમાન અને યુસુફ પઠાણ) બહારથી NDAને સમર્થન આપશે. જોકે, આ દાવાને NCPI જૂથના અન્ય બળવાખોર નેતાઓ અને ભાજપ બંનેએ તાત્કાલિક ફગાવી દીધો છે.
પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્યએ ભાજપ આ દાવાથી અંતર જાળવતું હોવાનું સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, કોઈ જોડાવા ઈચ્છે માત્ર એટલા માટે જ ભાજપ તેને પક્ષમાં સામેલ નહીં કરે. બીજી તરફ TMC તરફથી ૨૦ બાગી સાંસદોને ગેરલાયક ઠેરવવાની અરજી સુપ્રિમ કોર્ટ અને લોકસભા સ્પીકર સમક્ષ વિચારાધીન છે. બાસુનિયાનો આ દાવો તેમના જ પોતાના જૂથ અને બંગાળના રાજકારણમાં નવો વિવાદ ઊભો કરી રહ્યો છે.




