કર્ણાટક કોંગ્રેસમાં બળવો: ડી.કે. શિવકુમારે હાઇ કમાન્ડ વધાર્યું દબાણ

નવી દિલ્હી: કર્ણાટક કોંગ્રેસના અંદર બળવાના સૂર સાંભળવામાં આવી રહ્યા છે. ઉપ મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમાર નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેમને મનાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિવકુમારના સમર્થકો તેમને CM તરીકે જોવા માગે છે, જ્યારે સિદ્ધારમૈયા પદ છોડવા તૈયાર નથી. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શુક્રવારે બેંગલુરુ આવ્યા હતા, પરંતુ હજી સુધી ડી.કે. શિવકુમારે તેમની સાથે મુલાકાત કરી નથી. આમ કર્ણાટક કોંગ્રેસમાં કશ્મકશ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે.

શિવકુમારના ઘેર નાગા સાધુઓ પહોંચ્યાકર્ણાટક કોંગ્રેસમાં ચાલી રહેલી રાજકીય ઊથલપાથલ વચ્ચે ડીકે શિવકુમારના ઘરે કેટલાક નાગા સાધુઓ પહોંચ્યા છે. એ દરમિયાન એક નાગા સાધુએ જણાવ્યું કે તેઓ કાશીથી આવ્યા છે અને તેમણે ડી.કે. શિવકુમારને મુખ્ય મંત્રી બનવાના આશીર્વાદ પણ આપ્યો છે.

ખડગેનું નિવેદન સામે આવ્યું

કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે મારે કહેવાનું કંઈ નથી. હાલ જે થઈ રહ્યું છે, જે મુદ્દો છે, તેના પર હમણાં કોઈ નિવેદન આપવું નથી. જે પણ નિર્ણય થશે તે હાઇકમાન્ડ લેવાનું છે. તેથી હું તમને વિનંતી કરું છું કે વ્યર્થ ચિંતા ન કરો, કેમ કે આથી મને પણ દુઃખ થાય છે.

ઊર્જા મંત્રી કે.જે. જ્યોર્જની ભૂમિકા ચર્ચામાં

આ રાજકીય સંગ્રામની વચ્ચે ઊર્જા મંત્રી કે. જે. જ્યોર્જની ભૂમિકા વિશેષ ચર્ચામાં છે. રવિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.જે. જ્યોર્જે સૌપ્રથમ CM સિદ્ધારમૈયા સાથે તેમના ઘરે જઈને મુલાકાત કરી. ત્યાર બાદ તેમણે બપોરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી અને સાંજે ડી.કે. શિવકુમાર જ્યોર્જના નિવાસસ્થાને મળી આવ્યા, જ્યાં આ બેઠક લગભગ એક કલાક ચાલી હતી.

આ બેઠકમાં જ્યોર્જે પક્ષ તરફથી ડી.કે. શિવકુમારને ધીરજ રાખવા અને માર્ચમાં રજૂ થનારા બજેટ સુધી શાંત રહેવા જણાવ્યું છે. તેના જવાબમાં ડી.કે. શિવકુમારે તેમની પાસેથી મક્કમ આશ્વાસન માગ્યું છે.