બિહારમાં દારૂબંધી ખતમ કરવાની ભલામણ: ભાજપ માટે નિર્ણય મુશ્કેલ?

પટનાઃ બિહારમાં દારૂબંધી ખતમ કરવાની ભલામણ કરવામાં આવી છે, જેથી પટનાનાં રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે, એમ એક સંશોધન સંસ્થાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે. દારૂબંધીને કારણે રાજ્યને ભારે મહેસૂલી નુકસાન થયું છે અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ રોકવાના તેના મુખ્ય હેતુને પણ આ નીતિ હાંસલ કરી શકી નથી. આ અહેવાલ સામે આવ્યા બાદ RJDએ ભાજપ પર દારૂબંધીનો યોગ્ય રીતે અમલ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ NDAના સહયોગી પક્ષોએ દારૂબંધી ખતમ કરવાને બદલે તેનો વધુ કડક અમલ કરવાની માગ કરી છે. જોકે JDUના ઓછામાં ઓછા એક નેતાએ દારૂબંધી પાછી ખેંચવાની તરફેણમાં મત વ્યક્ત કર્યો છે.

ભાજપના એક સૂત્રના જણાવ્યાનુસાર પાર્ટી એ વાતથી વાકેફ છે કે જો ફરીથી દારૂનું વેચાણ શરૂ કરવામાં આવે તો રાજ્યની આવકમાં મોટો વધારો થઈ શકે છે, પરંતુ પાર્ટી એ પણ સમજે છે કે દારૂબંધીની નીતિમાં ફેરફાર કરવાથી ભૂતપૂર્વ મુખ્ય મંત્રી નીતીશકુમારની લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. તેથી હાલમાં ભાજપ આ નીતિની સમીક્ષા કરવામાં ઉતાવળ નહીં કરે.

બિહારમાં દારૂબંધીને 10 વર્ષ પૂર્ણ

નોંધનીય છે કે આ વર્ષે એપ્રિલમાં બિહારમાં સંપૂર્ણ દારૂબંધી લાગુ થયાને 10 વર્ષ પૂર્ણ થયાં છે. ગયા અઠવાડિયે ઇન્ડિયા પોલિસી ફોરમમાં રજૂ કરવામાં આવેલા નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER)ના એક સંશોધન અહેવાલમાં રાજ્ય સરકારને સંપૂર્ણ દારૂબંધી ખતમ કરવાની ભલામણ કરવામાં આવી છે. અહેવાલનાં મુખ્ય તારણોમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ રોકવામાં દારૂબંધી સફળ રહી નથી, જ્યારે એપ્રિલ, 2016માં તત્કાલીન મુખ્ય મંત્રી નીતીશકુમારે આ જ હેતુથી રાજ્યમાં સંપૂર્ણ દારૂબંધી લાગુ કરી હતી. RJDના રાષ્ટ્રીય પ્રવક્તા સુબોધ કુમાર મહેતાએ કહ્યું કે આ અભ્યાસ રાજ્ય સરકારની ‘સંપૂર્ણ નિષ્ફળતા’ને ઉજાગર કરે છે.

NDAમાં મતમતાંતરજોકે JDUનું સત્તાવાર વલણ હજુ પણ દારૂબંધીના સમર્થનમાં છે. પરંતુ સીતામઢીના સાંસદ દેવેશ ચંદ્ર ઠાકુરે આ નીતિની સમીક્ષા કરવાની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે દારૂબંધી ક્યાંય સફળ થઈ નથી.

બીજી તરફ, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું હતું કે એ વાત સાચી છે કે રાજ્યની આવક વધારવાના ઉપાયો શોધવા પડશે, પરંતુ તેનો અર્થ એ નથી કે દારૂબંધી હટાવી દેવામાં આવે.