આજે રાજ્યના 12 જિલ્લામાં રેડ એલર્ટ, 3 કલાક અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદ : રાજ્યમાં આજે પણ હવામાન વિભાગ દ્વારા 12 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બપોરે 1 વાગ્યા સુધી માટે જાહેર કરવામાં આવેલા નાઉકાસ્ટ અહેવાલ મુજબ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના મળીને 13 જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર અને સુરતમાં રેડ ઍલર્ટ છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ ઍલર્ટ

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.

ભારે વરસાદ અને વાવાઝોડાના પગલે વૃક્ષો ધરાશાયી થવા તથા પાણી ભરાવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નીચાણવાળા કે નદીકાંઠાના વિસ્તારમાંથી સલામત સ્થળે ખસી જવા અને પશુઓને યોગ્ય આશ્રય આપવા સૂચના અપાઈ છે.