લાલ કિલ્લા બ્લાસ્ટ કેસ: 13 આરોપીઓ સામે ચાર્જશીટ

દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા ધમાકા કેસની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ચાર્જશીટ દાખલ કરીને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. NIA ની ચાર્જશીટ અનુસાર, ધમાકામાં ઉપયોગમાં લેવાયેલી હ્યુન્ડાઈ i20 કાર વાસ્તવમાં એક ‘વ્હીકલ-બોર્ન ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ’ (VBIED) એટલે કે કાર બોમ્બ હતી. ફોરેન્સિક તપાસમાં કારના ભંગાર અને ઘટનાસ્થળેથી TATP, અમોનિયમ નાઈટ્રેટ અને પોટેશિયમ નાઈટ્રેટ જેવા અત્યંત ખતરનાક વિસ્ફોટકોના અંશ મળી આવ્યા છે.

DNA તપાસથી થઈ ઉમર ઉન નબીની ઓળખ

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી મળેલા જૈવિક નમૂનાઓની DNA ફિંગરપ્રિન્ટિંગ તપાસમાં મોટો પુરાવો મળ્યો છે. મૃતકના શરીરના ભાગો અને નાકના સ્વૈબમાંથી TATP વિસ્ફોટક મળી આવ્યું હતું. DNA મેચિંગ દ્વારા સ્પષ્ટ થયું છે કે ધમાકા વખતે મુખ્ય સુત્રધાર ઉમર ઉન નબી જ તે કારની અંદર હાજર હતો. કારની નજીકથી લાલ રંગની ટેપવાળું એક કમાન્ડ મિકેનિઝમ પણ મળી આવ્યું હતું, જેના દ્વારા દૂરથી આ IED બોમ્બને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.

ChatGPT અને YouTube થી રોકેટ બનાવતા શીખ્યા

ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે અન્ય એક આરોપી જસીર બિલાલ વાનીએ YouTube અને ChatGPT ની મદદથી રોકેટ બનાવવાની પદ્ધતિઓ શોધી હતી અને તેણે એક રોકેટ બનાવી પણ લીધું હતું, જેનું ટેસ્ટિંગ બાદમાં મોકૂફ રખાયું હતું. ઉમર ઉન નબીએ જસીરને 2 ડ્રોન પણ આપ્યા હતા. આ સિવાય નોગામ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ થયેલી સામગ્રી પણ આ જ ગુનાહિત નેટવર્ક સાથે જોડાયેલી હતી, જેમાં 9 પોલીસકર્મીઓ શહીદ થયા હતા.

તપાસમાં TATP વિસ્ફોટક બન્યું મુખ્ય કડી

CFSL ચંદીગઢ અને NFSU ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલા 73 માંથી 64 નમૂનાઓમાં Tri-Acetone Tri-Peroxide (TATP) અને અમોનિયમ નાઈટ્રેટ હોવાની પુષ્ટિ થઈ છે. TATP ની વિસ્ફોટક ક્ષમતા વધારવા માટે તેમાં અન્ય કેમિકલ્સ ભેળવવામાં આવ્યા હતા. આરોપીઓના ગુપ્ત સ્થાન પરથી હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને એસિટોન જેવી લેબ સામગ્રી જપ્ત કરવામાં આવી છે.