રિલાયન્સ, મેટા સાથે મળીને બનાવશે દેશમાં પ્રથમ AI ડેટા સેન્ટર

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને મેટા (Meta Platforms)એ ગુજરાતના જામનગરમાં અદ્યતન AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવવા માટે ભાગીદારી કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ રિલાયન્સ 168 મેગાવોટ (MW) ક્ષમતાવાળું ડેટા સેન્ટર બનાવશે, જેને આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભવિષ્યમાં વધતી માગને ધ્યાનમાં રાખીને તેની ક્ષમતામાં વધુ વધારો પણ કરી શકાશે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સ એન્ડ-ટુ-એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર તરીકે કાર્ય કરશે. કંપની ડેટા સેન્ટરનું ડિઝાઇન અને નિર્માણ કરશે તેમ જ વીજ પુરવઠો, નેટવર્ક કનેક્ટિવિટી, રિન્યુએબલ એનર્જી, ઓપરેશન્સ અને અન્ય જરૂરી સેવાઓનું સંચાલન પણ કરશે.

આ ભારતમાં મેટા (Meta)નું પ્રથમ “બિલ્ટ-ટુ-સૂટ” ડેટા સેન્ટર હશે, જેને કંપનીની વિશિષ્ટ જરૂરિયાતો અને AI આધારિત કમ્પ્યુટિંગની માગને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવશે. આ સુવિધા મેટાના AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મુખ્ય વ્યાવસાયિક કામગીરી અને મોટા પાયે ડેટા પ્રોસેસિંગ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે.

રિલાયન્સના જણાવ્યાનુસાર જામનગરની વ્યૂહાત્મક વિશેષતાઓને કારણે આ પ્રોજેક્ટ માટે તેની પસંદગી કરવામાં આવી છે. અહીં પ્રચુર પ્રમાણમાં રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો, પૂરતું પાણી, જિયોનું વ્યાપક ફાઇબર નેટવર્ક અને પશ્ચિમ કિનારે આવેલા સમુદ્રી ઇન્ટરનેટ કેબલ લેન્ડિંગ સ્ટેશનોની નજીકતા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ડેટા સેન્ટરને સંપૂર્ણપણે રિન્યુએબલ ઊર્જાથી ચલાવવાની યોજના છે, જ્યારે તેના કુલિંગ માટે શુદ્ધ કરાયેલા દરિયાઈ પાણીનો ઉપયોગ કરવામાં આવશે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે મેટા સાથેની આ ભાગીદારી ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. તેમણે કહ્યું હતું કે રિલાયન્સ વિશ્વ સ્તરીય ડિજિટલ સુવિધાઓ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે, જે ભારત અને વિશ્વભરમાં AI નવીનતાની આગામી લહેરને ગતિ આપશે. તેમના મતે જામનગર ભવિષ્યમાં હાઇપર સ્કેલ AI કમ્પ્યુટિંગનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનીને ઊભરશે.

બીજી તરફ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે કંપની ભારતમાં પોતાનું પ્રથમ AI-સક્ષમ ડેટા સેન્ટર રિલાયન્સ સાથે વિકસાવવા અંગે ઉત્સાહિત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જામનગરની આ વિશ્વ સ્તરીય સુવિધા મેટાની વૈશ્વિક AI ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે અને ભારતમાં કંપનીના લાંબા ગાળાનાં મૂડીરોકાણોને નવી દિશા આપશે.