મુંબઈ: રિલાયન્સ ફાઉન્ડેશન અને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર(NMACC) “મ્યુઝિયમ ઇન રેસિડન્સ: લાઇટ એટેલિયર” નામની પ્રસ્તુતિ રજૂ કરવાના છે. “દાદૂ – ધ ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ ઓફ કતાર” સાથે મળીને 19 જુલાઈથી 10 ઓગસ્ટ, 2025 સુધી આ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. આ ઇન્ટરએક્ટિવ પ્રદર્શની બાળકોને પ્રકાશ, છાંયો અને રંગોની દુનિયા સાથે જોડાવવાનો અને તેને અનુભવવાનો એક અદ્દભૂત અનુભવ પૂરો પાડે છે. તે પણ મનોરંજક અને શિક્ષાપ્રદ રીતે.18 જુલાઈના રોજ આ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે, રિલાયન્સ ફાઉન્ડેશનની ‘એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ESA)’ પહેલ હેઠળ, મર્યાદિત સંસાધનો ધરાવતા સમુદાયોમાંથી આવેલા 100 બાળકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. રિલાયન્સની ‘વી કેર’ નીતિ હેઠળ ESAનું ઉદ્દેશ્ય દરેક વર્ગના બાળકો માટે શિક્ષણ અને ખેલકૂદના સમાન અવસરો સુલભ કરાવવાનું છે – જેથી તેઓ મોટાં સપનાં જોઈ શકે અને પોતાની ક્ષમતા ઓળખી તેને પૂર્ણ કરી શકે.
આ પ્રસંગે ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “NMACCમાં, અમારો ધ્યેય શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને ખાસ કરીને બાળકો તથા યુવાનો માટે કલાને સરળતાથી ઉપલબ્ધ બનાવવો છે. ‘દાદૂ – ધ ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ ઓફ કતાર’ સાથે મળીને અમે પ્રથમવાર ભારતમાં ‘લાઇટ એટેલિયર’ લઇને આવી રહ્યાં છીએ, જે અમારા વાર્ષિક ‘બચપન’ મહોત્સવનો વિશિષ્ટ ભાગ છે. અમે ઇચ્છીયે છીએ કે બાળકોને એવા અર્થપૂર્ણ અનુભવો મળે જે તેમની સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિને પ્રોત્સાહન આપે.”‘લાઇટ એટેલિયર’ કલાનું, વિજ્ઞાન અને ડિઝાઇન તત્વોનું અદભૂત મિશ્રણ છે, જે બાળકની કુતૂહલતા અને શોધખોળની ભાવનાને ઉજાગર કરે છે. આ પ્રદર્શન “મ્યુઝિયમ ઇન રેસિડન્સ”ના ભાગરૂપે રજૂ થયું છે – જેનો ઉદ્દેશ્ય પરંપરાગત જગ્યાઓને બાળકો માટે શીખવાની જીવંત જગ્યા બનાવવાનો છે.
