રિલાયન્સ ફાઉન્ડેશનની તિરુપતિ દેવસ્થાનમ્‌ને ૨૫ ઇલેક્ટ્રિક બસોની ભેટ

તિરુમાલા: તિરુપતિ દેવસ્થાનમ્‌ (TTD) ખાતે દર્શનાર્થે આવતા કરોડો શ્રદ્ધાળુઓ માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મહત્ત્વની ભેટ આપવામાં આવી છે. પર્યાવરણને અનુકૂળ, સ્વચ્છ અને ગ્રીન ટ્રાન્સપોર્ટ સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સખાવતી સંસ્થા ‘રિલાયન્સ ફાઉન્ડેશન’ દ્વારા ૨૫ અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસ તેમજ એક સમર્પિત ચાર્જિંગ સ્ટેશન TTDને અર્પણ કરવામાં આવ્યું છે. તિરુમાલા ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના વરદ્ હસ્તે આ ઇલેક્ટ્રિક બસોને વિધિવત્ ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

બ્રહ્મોત્સવમ્ પૂર્વે ભવ્ય ભેટ

આગામી દિવસોમાં તિરુમાલાના પવિત્ર પર્વત પર બે અત્યંત મહત્વપૂર્ણ ‘શ્રીવારી બ્રહ્મોત્સવમ્’ યોજાવાના છે, જેમાં દેશ અને વિદેશમાંથી લાખો ભક્તો ભગવાન શ્રી વેંકટેશ્વરના દર્શનાર્થે ઉમટી પડશે. આ મહાપર્વ પૂર્વે જ આ ઇલેક્ટ્રિક બસો પ્રાપ્ત થવાથી યાત્રાળુઓને સરળ, સુવિધાજનક અને પર્યાવરણપૂરક પરિવહન સેવા મળી રહેશે.

અનંત અંબાણીની પ્રતિબદ્ધતા પૂર્ણ થઈ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જૂન ૨૦૨૬માં તિરુમાલા મંદિરની મુલાકાત દરમિયાન TTDના ગ્રીન મોબિલિટી અભિયાનને સમર્થન આપવા માટે ૨૫ ઇલેક્ટ્રિક બસો ભેટ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રતિબદ્ધતા પૂર્ણ કરતા આ બસો તથા તેના સંચાલન માટે Jio-bpના ટેકનિકલ સહયોગથી સમર્પિત EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, “દર વર્ષે ભગવાન વેંકટેશ્વરના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. તેમની આ પવિત્ર યાત્રામાં સહયોગ આપવો અમારા માટે ગૌરવ અને જવાબદારીની વાત છે. આ ઇલેક્ટ્રિક બસો TTDની પરિવહન સેવાઓને સુદ્રઢ બનાવવાની સાથે આ પવિત્ર વિસ્તારની સમૃદ્ધ જૈવવિવિધતાના જતનમાં પણ મદદરૂપ બનશે.”

ઇલેક્ટ્રિક બસોના આવવાથી પરંપરાગત ઇંધણ વાહનો પરની નિર્ભરતા ઘટશે, કાર્બન ઉત્સર્જન ઓછું થશે અને તિરુમાલાના કુદરતી વાતાવરણનું સંરક્ષણ થશે. રિલાયન્સનું આ પગલું સમગ્ર દેશમાં સ્વચ્છ પરિવહન અને ટકાઉ વિકાસ તરફની તેની કટિબદ્ધતા દર્શાવે છે.