રાહતઃ આઠ વર્ષના સૌથી નીચલા સ્તરે મોંઘવારી દર

નવી દિલ્હીઃ મોંઘવારીના મોરચે દેશની જનતા માટે આ સારા સમાચાર છે. રિટેલ મોંઘવારી દર જુલાઈમાં ઘટીને 1.55 ટકા થયો છે, જે જૂનમાં 2.1 ટકા હતો. જાન્યુઆરી, 2019 પછી પહેલી વાર મોંઘવારી દર 2 ટકાથી નીચે આવ્યો છે. આ આંકડો 12 ઓગસ્ટે બહાર પડાયેલા સરકારી ડેટામાંથી સામે આવ્યો છે. છેલ્લા છ મહિનાથી મોંઘવારી દર 4 ટકાથી નીચે રહ્યો છે. એપ્રિલથી તેની સરેરાશ ત્રણ ટકાથી ઓછી રહી છે.

સત્તાવાર આંકડા અનુસાર કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત આ દર જૂન, 2025ના 2.10 ટકાથી ઓછો છે, એટલે કે મહિના-દર-મહિના 55 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે. નોંધનીય છે કે આ જૂન 2017 પછીનો સૌથી ઓછો મોંઘવારી દર છે. CPI  આધારિત મોંઘવારી મે, 2025માં પણ 2.10 ટકા રહી હતી.

ખાદ્ય મોંઘવારીમાં ઘટાડો

જુલાઈ, 2025માં ફૂડ ઇન્ફ્લેશન વધુ ઘટીને -1.76 ટકા આવી ગયો હતો, જ્યારે જૂનમાં તે -1.01 ટકા હતો. ખાદ્ય મોંઘવારી દર સતત બીજા મહિને નકારાત્મક રહ્યો છે. આ ઘટાડો દાળ, શાકભાજી, અનાજ, ઇંડાં, ખાંડ અને પરિવહન ખર્ચમાં ઘટાડાને કારણે થયો છે. જુલાઈમાં નોંધાયેલો આ દર જાન્યુઆરી, 2019 પછીનો સૌથી ઓછો ખાદ્ય મોંઘવારી દર છે.

જુલાઈમાં ગ્રામ્ય વિસ્તારોમાં મોંઘવારી દર 1.18 ટકા રહ્યો, જે જૂનના 1.72 ટકાથી ઓછો છે. શહેરી મોંઘવારી દર પણ 2.56 ટકાથી ઘટીને 2.05 ટકા થયો હતો. હાઉસિંગ સેક્ટરમાં મોંઘવારી દર 3.17 ટકા પર લગભગ સ્થિર રહ્યો હતો, શિક્ષણમાં તે 4.37 ટકાથી ઘટીને 4 ટકા થયો હતો,  જ્યારે હેલ્થ સેક્ટરમાં મોંઘવારી દર જૂનના 4.38 ટકાથી વધીને 4.57 ટકા થયો હતો.

જુલાઈમાં મુખ્ય રાજ્યોમાં સૌથી વધુ કુલ મોંઘવારી દર કેરળમાં 8.89 ટકા રહ્યો હતો. તેના પછી જમ્મુ-કાશ્મીરમાં 3.77 ટકા, પંજાબમાં 3.53 ટકા, કર્ણાટકમાં 2.73 ટકા અને મહારાષ્ટ્રમાં 2.28 ટકા પર રહ્યો હતો. પરિવહન અને સંચાર ક્ષેત્રમાં મોંઘવારી જૂનના 3.90 ટકાથી ઘટીને જુલાઈમાં 2.12 ટકા થયો હતો, જ્યારે ઈંધણ અને વીજળીનો મોંઘવારી દર 2.55 ટકાથી વધી 2.67 ટકા થયો હતો.