મુંબઈ : ગુજરાતી સાહિત્ય જગત માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ધારદાર કલમ અને નારીવાદી વિચારો માટે જાણીતાં સુપ્રસિદ્ધ નવલકથાકાર તથા વાર્તાકાર ઇલા આરબ મહેતાનું ૮૮ વર્ષની વયે ખાતે નિધન થયું છે. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. 
સાહિત્યિક વારસો અને પ્રારંભિક જીવન
ઇલા આરબ મહેતાનો જન્મ ૧૬ જૂન, ૧૯૩૮ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ મૂળ જામનગરના વતની હતા. તેમને સાહિત્યનો વારસો ગળથૂથીમાંથી જ મળ્યો હતો, કારણ કે તેઓ ગુજરાતી સાહિત્યના જાણીતા સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યના પુત્રી અને પ્રખ્યાત લેખિકા વર્ષા અડાલજાના મોટા બહેન હતા.
તેમણે રૂઇયા કૉલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે એમ.એ. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેમણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં વર્ષો સુધી અધ્યાપક તરીકે સેવા આપી હતી.
યાદગાર કૃતિઓ અને સર્જન
શરૂઆતમાં અખંડાનંદ, નવનીત અને સ્ત્રી સામાયિકોમાં લેખ લખતાં. તેમણે ગુજરાતી સાહિત્યને ૨૦થી વધુ નવલકથાઓ અને વાર્તાસંગ્રહો આપ્યા છે. તેમની કૃતિઓમાં નારી સંવેદના, સ્ત્રી-પુરુષ સંબંધોના તાણાવાણા અને સામાજિક વિષમતાઓનું તાદ્રશ આલેખન જોવા મળે છે.
-
મુખ્ય નવલકથાઓ: ‘બત્રીસ પૂતળીની વેદના’, ‘ત્રિકોણની ત્રણ રેખાઓ’, ‘થીજેલો આકાર’, ‘રાધા’, ‘આવતી કાલનો સૂરજ’, ‘પાંચ પગલાં પૃથ્વી પર’, અને ‘વાડ’ (જેનો અંગ્રેજીમાં Fence તરીકે અનુવાદ થયો છે).
-
વાર્તાસંગ્રહો: ‘એક સિગારેટ એક ધૂપસળી’, ‘વિયેના-વૂડ્સ’, ‘ભાગ્યરેખા’, અને ‘ઇલા આરબ મહેતાનો વાર્તા વૈભવ’.

તેમની સુપ્રસિદ્ધ નવલકથા ‘બત્રીસ પૂતળીની વેદના’ સ્ત્રીઓના આત્મસન્માન અને સંઘર્ષની વાર્તા રજૂ કરતી ગુજરાતી સાહિત્યની એક માઇલસ્ટોન કૃતિ ગણાય છે.
સન્માન અને પુરસ્કારો
સાહિત્ય ક્ષેત્રે તેમના અમૂલ્ય પ્રદાન બદલ તેમને ગુજરાત સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી અનેક એવોર્ડ અને સન્માન પ્રાપ્ત થયા હતા.
સાહિત્ય જગતમાં શોકની લહેર
પરિવારમાં પુત્ર ડૉ. સલિલ, પુત્રી સોનાલી તથા પૌત્ર-પૌત્રીઓનો સમાવેશ થાય છે. તેમના નિધનના સમાચાર મળતાં જ સાહિત્યકારો, વિવેચકો અને વાચકોએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.




