અમદાવાદ: ગુજરાતી સાહિત્ય જગતના ખ્યાતનામ કવિ, ચિંતક અને ચિત્રકાર પ્રબોધ પરીખના ચિત્રો આગામી ૧૯ થી ૩૦ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન પ્રદર્શિત થઈ રહ્યા છે. શહેરની ‘સત્યા આર્ટ ગેલરી’ (નવજીવન ટ્રસ્ટ, ગુજરાત વિદ્યાપીઠ પાછળ, આશ્રમ રોડ) ખાતે તેમના ચિત્રોનું પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. આ પ્રદર્શનનું શીર્ષક ‘In Parenthesis’ (ઇન પેરેન્થિસિસ) રાખવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ૧૯મી નવેમ્બરના રોજ સાંજે ૬ વાગ્યે જાણીતા કલાકાર ગુલામ મોહમ્મદ શેખની ઉપસ્થિતિમાં થશે.
યુવા કલાકારોને સંદેશ આપતા પ્રબોધ પરીખે જણાવ્યું કે, “ચિત્રકાર તરીકે તમારી કલ્પનાશક્તિ અને સંવેદનશીલતાને જીવંત રાખવી જરૂરી છે, તેને સોશિયલ મીડિયાની ભીડ કે ઓક્શન હાઉસીસની રેસમાં ખોઈ ન દેવી જોઈએ. કલા એ આત્માની અભિવ્યક્તિ છે, અને તેનો ખૂણો હંમેશા સાચવી રાખવો જોઇએ.”
આ પ્રદર્શનમાં પ્રબોધ પરીખના છેલ્લા કેટલાક વર્ષોમાં તૈયાર થયેલા અંદાજે ૯૦ જેટલાં ચિત્રો (પેઇન્ટિંગ્સ, વોટરકલર્સ, મિક્સ મીડિયા અને ચારકોલ) પ્રદર્શિત કરવામાં આવશે, જે કલા રસિકો માટે એક અદ્ભુત લહાવો બની રહેશે. આ સિવાય પ્રબોધભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી સિતાંશુ યશશ્ચંદ્રના જીવન પરની ડોક્યુમેન્ટરી 21મી નવેમ્બરના રોજ સાંજે 6 કલાકે જિતેન્દ્ર મેમોરિયલ હોલ, નવજીવન ટ્રસ્ટ ખાતે દર્શાવવામાં આવશે.




કલા અને બજાર વિશે દ્રષ્ટિકોણ વિશે વાત કરતાં પ્રબોધ પરીખે જણાવ્યું કે, “આજના સમયમાં સોશિયલ મીડિયા પર કલા પ્રદર્શન કરીને તેનો પ્રચાર કરવો પણ ખૂબ જરૂરી સ્પષ્ટ છે.” તેમનું માનવું છે કે, “કલાકાર હોવું એ તમારી વ્યક્તિગત જરૂરિયાત છે. આ જરૂરિયાતને બજારના પ્રવાહ કે વ્યાપારી ધોરણે માપવી જોઈએ નહીં.”


