ચેન્નઈઃ તામિલનાડુમાં રાજકીય હલચલ તેજ બની છે. TVK પ્રમુખ વિજય સરકાર બનાવવાની તૈયારીમાં છે, ત્યારે AIADMKએ પોતાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને પડોશી રાજ્ય પુડુચેરીમાં ખસેડ્યા છે, એમ પાર્ટીએ બુધવારે આ માહિતી આપી હતી. આ પહેલાં TVKએ પોતાના ધારાસભ્યોને ચેન્નઈની બહાર આવેલા એક હોટેલમાં રાખ્યા હતા. AIADMKના પ્રવક્તા કોવાઈ સત્યને જણાવ્યું કે પાર્ટીના ધારાસભ્યોને પુડુચેરીમાં રોકવામાં આવ્યા છે, પરંતુ કેટલા ધારાસભ્યોને ત્યાં મોકલવામાં આવ્યા છે અથવા આ નિર્ણય પાછળનું કારણ શું છે તેની માહિતી આપવામાં આવી નથી.
એડપ્પાડી કે. પલાનીસ્વામીની આગેવાની હેઠળની AIADMK વિજયની આગેવાનીવાળી TVKને સરકાર બનાવવા માટે નિશર્ત સમર્થન આપવા તૈયાર હતી અને બંને પક્ષો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી, પરંતુ બુધવારે બપોર પછી TVK તરફથી લાંબા સમય સુધી કોઈ પ્રતિસાદ ન મળતાં AIADMKએ પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો હતો. પાર્ટીના નેતાઓએ DMK સાથે ગઠબંધનની કોઈ પણ શક્યતા પણ નકારી કાઢી હતી. AIADMK અને TVK વચ્ચે મંગળવારે વહેલી સવારે ચર્ચા શરૂ થઈ હતી. TVK બહુમતી મેળવવામાં નિષ્ફળ રહેતાં ચૂંટણી પછી સંભવિત સમજૂતી માટે વરિષ્ઠ નેતાઓ ચર્ચા કરી રહ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યા હતું.
પલાનીસ્વામીના નજીકના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે અમે સ્થિર સરકાર માટે નિશર્ત સમર્થન આપ્યું હતું. પરસ્પર સન્માનની શરતે કોઈ પણ ચર્ચા માટે અમે તૈયાર હતા. પરંતુ બુધવાર બપોરથી TVK તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. બંને પક્ષો વચ્ચેની ચર્ચા બુધવારે બપોરે અચાનક બંધ થઈ ગઈ હતી.
કોંગ્રેસે TVKને શરતી સમર્થન આપતાં અને તેને બંધારણમાં વિશ્વાસ ન ધરાવતી સાંપ્રદાયિક શક્તિઓથી દૂર રહેવાની સલાહ આપ્યા બાદ જ આ સમગ્ર રાજકીય ઘટનાઓ ઝડપથી આગળ વધી હતી. AIADMKના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે વિજય કોઈ જવાબ આપી રહ્યા નથી. તેમણે અમારું અપમાન કર્યું છે. અમારા સ્વૈચ્છિક સમર્થન પર યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. તેથી અમે ચર્ચા રદ કરી છે. હવે અમારે અમારા નેતાઓને એકજૂટ રાખવા પડશે અને રાજકીય અનુભવ બતાવવો પડશે.




