ચેન્નઈઃ તામિલનાડુમાં ચૂંટણી પરિણામ જાહેર થતાં જ રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયું છે. સરકાર બનાવવા માટે જરૂરી બહુમતીથી પાછળ રહી જતાં સી. જોસેફ વિજયની તમિળગા વેટ્રી કળગમ (TVK)એ બહુમતી મેળવવાના પ્રયાસો વચ્ચે પોતાના 108 નવા ચૂંટાયેલા ધારાસભ્યોને મહાબલિપુરમના ચેંગલપટ્ટુ સ્થિત એક હોટેલમાં રાખ્યા છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવાનો હેતુ બધાને એકજૂટ રાખવાનો છે, કારણ કે TVK પાસે સરકાર બનાવવા માટે પૂરતી સંખ્યા નથી.
‘ખરીદ-વેચાણ’ અટકાવવા માટે સાવચેતીનું પગલું
ધારાસભ્યોને કડક સુરક્ષાવાળા રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે, જ્યાંથી તેઓ અન્ય રાજકીય પક્ષોના સંપર્કમાં આવી શકશે નહીં. પ્રાપ્ત માહિતી મુજબ સરકાર રચનાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું સંભવિત ‘ખરીદ-વેચાણ’ અટકાવવા માટે આ સાવચેતીરૂપ પગલું લેવામાં આવ્યું છે.
તામિલનાડુમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા પરથી નેતા બનેલા વિજયની પાર્ટીએ અણધારી સફળતા મેળવી છે. 108 બેઠકો જીતીને TVK સૌથી મોટી પાર્ટી બની છે. મંગળવારે વિજયે પોતાના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક કરી હતી, જેમાં તેમને સર્વસંમતિથી વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તામિલનાડુમાં 234 બેઠકો માટે 23 એપ્રિલે મતદાન થયું હતું અને ચોથી મેએ પરિણામ જાહેર થયાં હતાં.

બહુમતી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન
અહેવાલ મુજબ TVK કોંગ્રેસ અને અન્ય કેટલીક પાર્ટીઓ સાથે મળીને ગઠબંધન સરકાર બનાવી શકે છે. કોંગ્રેસ પાસે પાંચ બેઠકો છે, VCK પાસે 2, CPI અને CPI(M) પાસે 2-2 બેઠકો છે. જો આ તમામ પક્ષો સાથે આવે તો કુલ 11 ધારાસભ્યોનું મજબૂત સમર્થન મળશે. TVKને IUML, DMDK અથવા PMKના કેટલાક સભ્યો પાસેથી વધારાનું સમર્થન પણ મળી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર ગઠબંધન બન્યા બાદ કોંગ્રેસને બે મંત્રાલય મળવાની શક્યતા છે, જ્યારે અન્ય નાના પક્ષોને એક-એક પોર્ટફોલિયો આપવામાં આવશે. TVK પોતાના સહયોગીઓને ચારથી છ મંત્રીપદ આપી શકે છે.




