સપ્ટેમ્બરમાં છૂટક મોંઘવારી 23 મહિનાની ટોચે પહોંચી

નવી દિલ્હીઃ સપ્ટેમ્બરમાં ભારતમાં છૂટક મોંઘવારીનો દર વધીને 5.54 ટકા થઈ ગયો છે. ગ્રાહક ભાવ સૂચકાંક (CPI)ની નવી શ્રેણીમાં આ પ્રથમ વખત છે, જ્યારે મોંઘવારીનો દર પાંચ ટકાને પાર પહોંચ્યો છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલા ઝડપી વધારાએ મોંઘવારી વધારવામાં સૌથી મોટો ફાળો આપ્યો છે. તેને કારણે સામાન્ય પરિવારોના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. 12 ઓક્ટોબરે જાહેર થયેલા આંકડા અનુસાર ઓગસ્ટમાં મોંઘવારીનો દર 4.83 ટકા હતો, જે સપ્ટેમ્બરમાં વધ્યો છે. માર્ચ પછી વાર્ષિક મોંઘવારી દરમાં સતત છઠ્ઠા મહિને વધારો નોંધાયો છે.

આ વધારા સાથે મોંઘવારીનો દર ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ચાર ટકાના લક્ષ્યાંકથી ઉપર ગયો છે. જોકે તે હજુ પણ કેન્દ્રીય બેંકની 2થી 6 ટકાની સ્વીકાર્ય મર્યાદામાં છે.

ખાદ્ય મોંઘવારી વધીને 7.74 ટકા થઈ

ગ્રાહક ખાદ્ય ભાવ સૂચકાંક (CFPI) અનુસાર ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારી ઓગસ્ટમાં 5.97 ટકા હતી, જે સપ્ટેમ્બરમાં વધીને 7.74 ટકા થઈ ગઈ છે.

ડુંગળીના ભાવમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. ઓગસ્ટમાં ડુંગળીની વાર્ષિક મોંઘવારી 48.78 ટકા હતી, જે સપ્ટેમ્બરમાં વધીને 108.09 ટકા થઈ ગઈ. લસણની મોંઘવારી 43.60 ટકાથી વધીને 54.62 ટકા થઈ છે. જ્યારે લીંબુના ભાવમાં 36.41 ટકાનો વધારો થયો છે. ઓગસ્ટમાં આ વધારો 15.15 ટકા હતો. જોકે કેટલીક શાકભાજીના ભાવમાં રાહત મળી છે. બટાકાના ભાવમાં વાર્ષિક ધોરણે 11.50 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ટામેટાંના ભાવ 8.62 ટકા ઘટ્યા છે. ચાંદીનાં ઘરેણાંની મોંઘવારી ઊંચા સ્તરે 87.80 ટકા રહી છે. જોકે ઓગસ્ટમાં તે 106.81 ટકા હતી. સપ્ટેમ્બરમાં પાન અને તમાકુની મોંઘવારી 4.71 ટકાથી વધીને 4.8 ટકા થઈ છે. ખાદ્ય પદાર્થો અને પીણાંની મોંઘવારી 5.66 ટકાથી વધીને 7.36 ટકા થઈ છે.

ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી છ ટકાને પાર

શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ ભારતમાં મોંઘવારી વધુ ઝડપથી વધી છે. સપ્ટેમ્બરમાં ગ્રામીણ છૂટક મોંઘવારી ઓગસ્ટના 5.24 ટકાથી વધીને 6.08 ટકા થઈ છે. શહેરી વિસ્તારોમાં મોંઘવારીનો દર 4.31 ટકાથી વધીને 4.88 ટકા થયો છે. આ સાથે ગ્રામીણ અને શહેરી મોંઘવારી વચ્ચેનો તફાવત વધીને 1.20 ટકા થયો છે, જે ઓગસ્ટમાં 0.93 ટકા હતો.