નવી દિલ્હીઃ ફેબ્રુઆરી, 2026માં રિટેલ મોંઘવારી વધીને 3.21 ટકા થઈ છે. જાન્યુઆરી, 2026માં આ આંકડો 2.74 ટકા હતો, એટલે કે 47 બેઝિસ પોઈન્ટનો વધારો નોંધાયો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)ના તાજા આંકડાઓમાં આ માહિતી આપવામાં આવી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મોંઘવારીના દર અલગ રહ્યા. ફેબ્રુઆરીમાં ગ્રામીણ મોંઘવારી 3.37 ટકા રહી, જ્યારે શહેરી વિસ્તારોમાં મોંઘવારી 3.02 ટકા નોંધાઈ હતી.
ખાદ્ય વસ્તુઓની મોંઘવારી 3.47 ટકા રહી
ખાદ્ય વસ્તુઓની મોંઘવારી માપતો કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI) ફેબ્રુઆરી, 2026માં 3.47 ટકા રહ્યો. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી 3.46 ટકા અને શહેરી વિસ્તારોમાં 3.48 ટકા નોંધાઈ હતી. ફેબ્રુઆરીમાં કેટલીક શાકભાજીના ભાવમાં તેજ ઘટાડો જોવા મળ્યો. ટામેટાં, વટાણા અને ફ્લાવરના ઇન્ડેક્સમાં જાન્યુઆરીની સરખામણીએ 10 ટકા કરતાં વધુ ઘટાડો નોંધાયો.
કેટલીક ખાદ્ય વસ્તુઓના ભાવમાં મોટો ઘટાડો
ફેબ્રુઆરીમાં લસણ, ડુંગળી અને બટાટા જેવી વસ્તુઓમાં મોંઘવારી સૌથી ઓછી રહી. લસણના ભાવમાં વાર્ષિક ધોરણે 31.09 ટકા ઘટાડો નોંધાયો હતો, ડુંગળીમાં 28.20 ટકા ઘટાડો હતો. બટાટામાં 18.46 ટકા ઘટાડો હતો. આ ઉપરાંત તુવેર દાળના ભાવમાં પણ લગભગ 16 ટકા ઘટાડો નોંધાયો હતો.
જ્વેલરી અને કેટલીક શાકભાજીમાં તેજ મોંઘવારી
બીજી તરફ કેટલીક વસ્તુઓમાં મોંઘવારી ખૂબ ઊંચી રહી. સૌથી વધુ વધારો સિલ્વર જ્વેલરીમાં નોંધાયો, જ્યાં વાર્ષિક ધોરણે ભાવ 160.84 ટકા વધ્યા. સોનું, હીરા અને પ્લેટિનમ જ્વેલરીમાં મોંઘવારી 48.16 ટકા રહી હતી. સુકું નાળિયેર (કોપરા)માં 46.16 ટકા વધારો હતો. ટામેટામાં 45.29 ટકા અને ફ્લાવરમાં 43.77 ટકા મોંઘવારી નોંધાઈ હતી.

અલગ-અલગ સેક્ટરમાં મોંઘવારીની સ્થિતિ
* ફૂડ એન્ડ બેવરેજિસ કેટેગરીમાં મોંઘવારી 3.35 ટકા રહી
* પાન, તમાકુ અને નશીલા પદાર્થોમાં 3.49 ટકા મોંઘવારી
* કપડાં અને ફૂટવેરમાં 2.81 ટકા વધારો
* હાઉસિંગ, પાણી, વીજળી, ગેસ અને અન્ય ઇંધણમાં 1.52 ટકા મોંઘવારી
* હેલ્થ સેક્ટરમાં 1.90 ટકા વધારો
* ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં -0.05 ટકા, એટલે કે કિંમતોમાં થોડો ઘટાડો
* શિક્ષણ સેવાઓમાં 3.33 ટકા મોંઘવારી
* રેસ્ટોરાં અને હોટેલ સેવાઓમાં 2.73 ટકા મોંઘવારી નોંધાઈ હતી.




