MLC ચૂંટણી પહેલાં કર્ણાટકમાં ‘રિસોર્ટ પોલિટિક્સ’ની વાપસી

બેંગલુરુઃ ગુરુવારે યોજાનારી કર્ણાટક વિધાન પરિષદ (MLC)ની સાત બેઠકોની ચૂંટણી પહેલાં રાજકીય હલચલ તેજ બની છે. ડી.કે. શિવકુમાર રાજ્યના મુખ્ય મંત્રી બન્યા બાદ ફરી એક વખત ‘રિસોર્ટ પોલિટિક્સ’ની વાપસી જોવા મળી રહી છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં પાંચ ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે ભાજપના બે ઉમેદવારો મેદાનમાં છે. બીજી તરફ, JD(S)એ અંતિમ ક્ષણે પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે, જોકે તેની પાસે જીત માટે પૂરતું સંખ્યાબળ નથી એવું માનવામાં આવી રહ્યું છે.

મંગળવારે સાંજે કોંગ્રેસ વિધાનમંડળ દળ (CLP)ની બેઠક યોજવામાં આવી હતી, ત્યાર બાદ પક્ષે પોતાના ધારાસભ્યોને બેંગલુરુ દક્ષિણ જિલ્લાના એક રિસોર્ટમાં રહેવા માટે સૂચના આપી હતી. ગુરુવારે તમામ ધારાસભ્યોને સીધા વિધાન સૌધા ખાતે મતદાન માટે લઈ જવામાં આવશે.કર્ણાટકમાં કોંગ્રેસ અને JD(S)એ MLC ચૂંટણી પહેલાં ક્રોસ વોટિંગ અને ગેરહાજરીની આશંકાને ધ્યાનમાં રાખીને પોતાના ધારાસભ્યોને બેંગલુરુ આસપાસના અલગ-અલગ રિસોર્ટોમાં રોક્યા છે.

મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારે વ્યક્ત કરી ચિંતા

આ બેઠક દરમિયાન મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારે ચિંતા વ્યક્ત કરી હતી કે JD(S) કેટલાક કોંગ્રેસ ધારાસભ્યોનો સંપર્ક કરી શકે છે. ત્યાર બાદ ધારાસભ્યોને મતદાનની પ્રક્રિયા અંગે તાલીમ પણ આપવામાં આવી હતી, કારણ કે આ ચૂંટણીમાં પ્રાથમિકતા આધારિત (Preferential Voting) પદ્ધતિનો ઉપયોગ થાય છે. જોકે કેન્દ્રીય સ્ટીલ અને ભારે ઉદ્યોગ પ્રધાન તથા JD(S) નેતા એચ.ડી. કુમારસ્વામીએ કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવાના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે માત્ર એટલા માટે એક ઉમેદવાર ઉતાર્યો છે કે અમારી પાર્ટીના મત એકજૂટ રહે. કોઈ ખોટી રીત અપનાવીને બેઠક જીતવાનો અમારો પ્રયાસ નથી.

ભાજપને કુમારસ્વામીની અપીલ

JD(S)એ પોતાના ધારાસભ્યોને દેવનહલ્લી પહોંચાડી દીધા છે અને પોતાના ગઠબંધન સહયોગી ભાજપને વધારાના મતો ટ્રાન્સફર કરવાની વિનંતી કરી છે. એચ.ડી. કુમારસ્વામીએ કહ્યું હતું કે અમે નાની પાર્ટી છીએ. અમે શું કરી શકીએ? તેમની (કોંગ્રેસ) પાસે સંખ્યાબળ, શક્તિ અને ધનબળ છે. શું અમે તેમની સામે ટક્કર આપી શકીએ?