નવી દિલ્હીઃ TMCના સાંસદોમાં પણ ફૂટ પડી હોવાનું સામે આવ્યું છે. TMCની સાંસદ કાકોલી ઘોષે દાવો કર્યો છે કે લોકસભાના 20 સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને ભાજપના નેતૃત્વ હેઠળના NDA (રાષ્ટ્રીય લોકતંત્ર ગઠબંધન)ને સમર્થન આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારે પરાજય બાદ મમતા બેનરજીના નેતૃત્વવાળી TMCને સતત આંચકા લાગી રહ્યા છે. અગાઉ 60 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને TMCના નેતા ઋતબ્રત બેનરજીએ અલગ જૂથ બનાવવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ હવે લોકસભાના 20 સાંસદોના પત્રથી સંસદમાં પણ પક્ષમાં વિભાજનની સ્થિતિ સર્જાઈ હોવાનું માનવામાં આવે છે.
કાકોલી ઘોષે દાવો કર્યો છે કે આશરે 20 TMC સાંસદો ભાજપના નેતૃત્વવાળા સત્તારૂઢ NDA ગઠબંધનને સમર્થન આપશે.
ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લીધો
હાલ લોકસભામાં TMCના 28 સાંસદો છે, જ્યારે રાજ્યસભામાં તેની સંખ્યા 12 છે. અગાઉ રાજ્યસભામાં TMCના 13 સાંસદો હતા, પરંતુ સોમવારે TMCના રાજ્યસભા સાંસદ સુખેન્દુ રોયે રાજીનામું આપ્યું હતું, જેને કારણે આ સંખ્યા ઘટીને 12 થઈ ગઈ છે.
NDAને સમર્થન આપશે TMCનું નવું જૂથ
કાકોલી ઘોષે કહ્યું હતું કે 20 TMC સાંસદોના હસ્તાક્ષરવાળો એક પત્ર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મોકલવામાં આવ્યો છે, જેમાં NDA સાથે જોડાવાની અને તેને સમર્થન આપવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ લોકસભામાં TMCના મુખ્ય વ્હિપ પણ છે અને આ નિર્ણય અન્ય સાંસદો સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ લેવામાં આવ્યો છે.
મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી
લોકસભા અને રાજ્યસભાના સાંસદોના આ વલણને કારણે મમતા બેનર્જી માટે રાજકીય પડકારો વધવાની શક્યતા છે. TMCના સર્વોચ્ચ નેતૃત્વ પર ભલે હજુ મમતા બેનર્જી હોય, પરંતુ પક્ષના ધારાસભ્યો અને સાંસદોમાંથી મોટા ભાગના પ્રતિનિધિઓ અલગ દિશામાં આગળ વધી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. જેને કારણે પક્ષની આંતરિક એકતા અને નેતૃત્વ અંગે નવા પ્રશ્નો ઊભા થયા છે.






