ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષનો સૌથી મોટો ઘટાડો થવાની આશંકા

નવી દિલ્હીઃ ચાલુ ખરીફ સીઝનમાં ઓછો વરસાદ, ડાંગરના વાવેતર વિસ્તારમાં ઘટાડો અને તાપમાનમાં અચાનક ફેરફારને કારણે ચોખાના ઉત્પાદનને મોટો ફટકો પડવાની આશંકા છે. ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષનો રેકોર્ડ ઘટાડો નોંધાય એવી શક્યતા છે. તેને કારણે ખુલ્લા બજારમાં ખેડૂતોને ચોખાના સારા ભાવ મળી શકે છે. જોકે સરકાર પાસે પૂરતો બફર સ્ટોક હોવાથી દેશમાં ચોખાની અછત સર્જાવાની શક્યતા નથી.

ચોખાના ઉત્પાદનમાં એક કરોડ ટનનો ઘટાડો થવાનો અંદાજ

ચોખાના વેપારીઓનું કહેવું છે કે પાક પાકવાના સમયે સામાન્ય કરતાં ઓછા વરસાદને કારણે ડાંગરની ઊપજને નુકસાન થયું છે. રાઇસ એક્સપોર્ટર્સ એસોસિયેશનના અંદાજ મુજબ ઓછા વરસાદને કારણે ડાંગરની ઊપજ ઘટશે અને ચોખાના ઉત્પાદનમાં લગભગ એક કરોડ ટનનો ઘટાડો થઈ શકે છે. ગયા વર્ષે નોંધાયેલા 15.4 કરોડ ટનના વિક્રમી ઉત્પાદનની સરખામણીએ આ લગભગ 6.5 ટકા ઓછું છે.

કૃષિ મંત્રાલયને વિક્રમી ઉત્પાદનની આશા

અમેરિકી કૃષિ વિભાગે પણ પોતાના અહેવાલમાં ભારતમાં ચોખાના ઉત્પાદનમાં ઘટાડાની આગાહી કરી છે. ઓગસ્ટના અહેવાલમાં 2026-27ની સીઝન દરમિયાન ભારતમાં 15 કરોડ ટન ચોખાના ઉત્પાદનનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરના અહેવાલમાં તેને 30 લાખ ટન ઘટાડીને 14.70 કરોડ ટન કરવામાં આવ્યો છે. જોકે, કેન્દ્રીય કૃષિ મંત્રાલયના ત્રીજા આગોતરા પાક અંદાજ મુજબ 2025-26ની સિઝનમાં ચોખાનું સ્થાનિક ઉત્પાદન વધીને 15.40 કરોડ ટનના નવા વિક્રમી સ્તરે પહોંચવાની ધારણા છે.

વાવેતરનો વિસ્તાર ઘટ્યો, શિયાળુ પાક પર પણ જોખમ

ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ 1 જૂનથી શરૂ થયેલી ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 15 ટકા ઓછો વરસાદ થયો છે. જ્યારે ચોખા ઉગાડતાં કેટલાંક રાજ્યોમાં વરસાદની અછત 42 ટકા સુધી પહોંચી છે. સરકારી આંકડા મુજબ 11 સપ્ટેમ્બર સુધી ઉનાળુ ડાંગર એટલે કે ખરીફ ડાંગરનું વાવેતર વિસ્તાર 426.8 લાખ હેક્ટર હતો, જે ગયા વર્ષની સરખામણીએ લગભગ ચાર ટકા ઓછો છે. શિયાળામાં વાવવામાં આવતા ડાંગરના વાવેતર વિસ્તારમાં પણ ઘટાડો થવાની આશંકા છે, કારણ કે ડેમોમાં પાણીનું સ્તર સામાન્ય કરતાં ઓછું છે.

સરકાર પાસે ચોખાનો પૂરતો સ્ટોક

ઉત્પાદનમાં ઘટાડો થવા છતાં ચોખાની નિકાસ કોઈ મોટા પ્રતિબંધ વિના ચાલુ રહેવાની આશા છે. સરકારી આંકડા મુજબ ભારત પાસે ચોખાનો મોટો સ્ટોક ઉપલબ્ધ છે, જેના કારણે નિકાસ પર કોઈ પ્રતિબંધ મૂકવાની જરૂર નહીં પડે.