ગુનાલન કમલિનીનું Rise Worldwide સાથે જોડાણ: એજન્સીમાં સામેલ થનારી પ્રથમ મહિલા ક્રિકેટર

મુંબઈ: રિલાયન્સની માલિકી ધરાવતી અને ભારતની અગ્રણી સ્પોર્ટ્સ, લાઈફસ્ટાઈલ અને એન્ટરટેઇનમેન્ટ કંપની રાઇઝ વર્લ્ડવાઇડ લિમિટેડ (Rise Worldwide Ltd) એ દેશની સૌથી વધુ આશાસ્પદ યુવા ક્રિકેટ પ્રતિભા ગુનાલન કમલિની (Gunalan Kamalini) સાથે કરાર કર્યો છે. આ સાથે જ ૧૭ વર્ષીય કમલિની રાઇઝ વર્લ્ડવાઇડના ટેલેન્ટ રોસ્ટરમાં સામેલ થનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની છે.

આ કરાર હેઠળ રાઇઝ વર્લ્ડવાઇડ ગુનાલનની એક્સક્લુઝિવ કોમર્શિયલ અને ટેલેન્ટ મેનેજમેન્ટ પાર્ટનર તરીકે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ, વ્યૂહાત્મક ભાગીદારી, ડિજિટલ કન્ટેન્ટ અને લોંગ-ટર્મ બ્રાન્ડ ડેવલપમેન્ટનું સંચાલન કરશે. જેથી ગુનાલન સંપૂર્ણપણે પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. રાઇઝ વર્લ્ડવાઇડના આ પોર્ટફોલિયોમાં રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને સાઈ સુદર્શન જેવા દિગ્ગજ ક્રિકેટરો પણ સામેલ છે.

“અમને કમલિની પર ગર્વ છે”: નિખિલ બાર્ડિયા

રાઇઝ વર્લ્ડવાઇડના હેડ નિખિલ બાર્ડિયાએ જણાવ્યું હતું કે, “અમે કમલિનીનું રાઇઝ વર્લ્ડવાઇડ પરિવારમાં સ્વાગત કરતા અત્યંત આનંદ અનુભવીએ છીએ. તે એક અસાધારણ યુવા પ્રતિભા છે, જેણે ઉચ્ચ સ્તરે સફળ થવા માટે જરૂરી આત્મવિશ્વાસ અને રમતનું કૌશલ્ય દર્શાવ્યું છે. અમારા રોસ્ટરમાં પ્રથમ મહિલા ક્રિકેટરનું સ્વાગત કરતા અમને વિશેષ ગર્વ થાય છે.”

ગુનાલન કમલિનીની પ્રતિક્રિયા

રાઇઝ વર્લ્ડવાઇડ સાથે જોડાયા બાદ ગુનાલન કમલિનીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું, “હું રાઇઝ વર્લ્ડવાઇડની ટીમ સાથે જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. તેમણે ભારતીય ક્રિકેટના મોટા નામો સાથે કામ કર્યું છે. હાલમાં મારું સંપૂર્ણ ધ્યાન એક ક્રિકેટર તરીકે વધુ બહેતર બનવા અને મળતી દરેક તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા પર છે.”

કમલિનીની સફર અને સિદ્ધિઓ:

  • ઉંમર આધારિત ક્રિકેટ: તમિલનાડુ માટે અંડર-૧૫ અને અંડર-૧૯ ટી૨૦ ટાઇટલ જીતનારી ટીમનો ભાગ રહી.

  • અંડર-૧૯ વર્લ્ડ કપ: ૨૦૨૫ના પ્રારંભમાં આઈસીસી અંડર-૧૯ મહિલા ટી૨૦ વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમમાં ત્રીજી સૌથી વધુ રન બનાવનારી ખેલાડી હતી.

  • WPLમાં ઈતિહાસ: માત્ર ૧૬ વર્ષની ઉંમરે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) દ્વારા કરારબદ્ધ થઈને વુમન્સ પ્રીમિયર લીગમાં રમનારી સૌથી નાની વયની ખેલાડી બની હતી. WPL 2026ના મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે તેને રિટેન પણ કરી છે.

  • આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ: ૨૦૨૫ના અંતમાં શ્રીલંકા સામેની ઘરઆંગણે યોજાયેલી T20 seriesમાં ૧૭ વર્ષની ઉંમરે ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું.

  • એશિયન ગેમ્સ ૨૦૨૬: તાજેતરમાં જ તેની પસંદગી ૨૦૨૬ની એશિયન ગેમ્સ માટેની ભારતીય ક્રિકેટ ટીમમાં કરવામાં આવી છે.