રોબર્ટ ઈ. હોલ, માઈકલ વુડફોર્ડને મળ્યું અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક

નવી દિલ્હીઃ અર્થશાસ્ત્ર ક્ષેત્રે વર્ષ 2026નું નોબેલ પારિતોષિક અમેરિકન અર્થશાસ્ત્રીઓ રોબર્ટ ઈ. હોલ અને માઈકલ વુડફોર્ડને આપવામાં આવ્યું છે. સોમવારે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. બંને અર્થશાસ્ત્રીઓને એવા આર્થિક મોડલ વિકસાવવા બદલ આ પુરસ્કાર મળ્યો છે, જે સરકારોને અર્થતંત્રનું સંચાલન કરવામાં અને તેને સ્થિર રાખવામાં મદદરૂપ થાય છે.

તેમના સંશોધન મુજબ સરકાર અને કેન્દ્રીય બેન્ક જો યોગ્ય સમયે આર્થિક નિર્ણયો લે તો અર્થતંત્રમાં થતા ઉતાર-ચઢાવને ઘટાડી શકાય છે. તેનાથી ઝડપથી વધતી મોંઘવારી, આર્થિક મંદી અને આર્થિક સુસ્તી જેવી પરિસ્થિતિઓનો સામનો કરવામાં મદદ મળી શકે છે.

રોબર્ટ ઈ. હોલ કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે, જ્યારે માઈકલ વુડફોર્ડ ન્યુ યોર્કની કોલંબિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. અહેવાલ અનુસાર, રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સે સ્ટોકહોમમાં અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના વિજેતાઓની જાહેરાત કરી હતી. આર્થિક વિજ્ઞાન પુરસ્કાર સમિતિના વડા જોન હેસલરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પુરસ્કાર વિજેતાઓના કાર્યથી અમને એવા મોડલ માટે મજબૂત સૈદ્ધાંતિક આધાર મળ્યો છે, જેનો ઉપયોગ હવે વિશ્વની કેન્દ્રીય બેન્કો અને સરકારો કરે છે.

હેસલરે વધુમાં જણાવ્યું હતું કે તેમના કાર્યને કારણે ઊર્જા સંકટ અથવા ઘરેલુ વપરાશમાં અચાનક થતા ફેરફારો જેવા આર્થિક આંચકાઓનો સામનો કરવા માટે આપણે વધુ સારી રીતે તૈયાર છીએ. અર્થશાસ્ત્રના આ પુરસ્કારનું સત્તાવાર નામ ‘આલ્ફ્રેડ નોબેલની સ્મૃતિમાં આર્થિક વિજ્ઞાન માટે સ્વેરિગેસ રિક્સબેન્ક પુરસ્કાર’ છે.

સ્વીડનની કેન્દ્રીય બેન્કે વર્ષ 1968માં આ પુરસ્કારની સ્થાપના કરી હતી. નોબેલ પારિતોષિકો 19મી સદીના સ્વીડિશ ઉદ્યોગપતિ અને રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલની સ્મૃતિમાં આપવામાં આવે છે. ડાયનામાઇટની શોધ કરનાર નોબેલે પાંચ નોબેલ પારિતોષિકોની સ્થાપના કરી હતી. ગયા અઠવાડિયે તબીબી વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સાહિત્ય અને શાંતિ ક્ષેત્રનાં નોબેલ પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે પુરસ્કારની રકમ 1.2 કરોડ સ્વિડિશ ક્રોનર (આશરે 12 લાખ અમેરિકન ડોલર) છે. આ રકમ કોઈ એક વ્યક્તિ, નાના સમૂહ અથવા સંસ્થાને પુરસ્કાર આપવામાં આવે તો પણ સમાન રહે છે.