કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને રાઉઝ એવેન્યુ કોર્ટની નોટિસ

નવી દિલ્હી: કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. ભારતીય નાગરિકતા મેળવ્યા વગર મતદાર યાદીમાં નામ સામેલ કરાવવાના આરોપોને લઈને દાખલ કરાયેલી રિવિઝન પિટિશન પર કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ મોકલી છે. આ રિવિઝન પિટિશન વકીલ વિકાસ ત્રિપાઠીની તરફથી દાખલ કરવામાં આવી છે.

યાચિકાકર્તા વિકાસ ત્રિપાઠીની તરફથી હાજર થયેલા સિનિયર એડવોકેટ પવન નારંગે દલીલ કરી હતી કે આ મામલે ફરી વિચારવાની જરૂર છે, કારણ કે રેકોર્ડમાં રહેલા દસ્તાવેજોમાંથી દેખાય છે કે સોનિયા ગાંધી ભારતીય નાગરિક બન્યા પહેલાં જ મતદાર યાદીમાં તેમનું નામ સામેલ કરવાના મામલે ગંભીર અનિયમિતતાઓ હતી. સેશન જજ વિશાલ ગોગણે દલીલો સાંભળી સોનિયા ગાંધીને નોટિસ જારી કરી છે. રાજ્ય તરફથી પ્રોસિક્યુટર નોટિસ સ્વીકારી લીધી. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે રિવિઝનમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓના સંપૂર્ણ મૂલ્યાંકન માટે ટ્રાયલ કોર્ટ રેકોર્ડ (TCR) મગાવવામાં આવે.

6 જાન્યુઆરીએ થશે આગામી સુનાવણી

દિલ્હીના વકીલે મેજિસ્ટ્રેટ કોર્ટના તે આદેશને પડકાર્યો છે. જેમાં સોનિયા ગાંધી સામે FIR નોંધવાની સ્પષ્ટ રીતે ના પાડી દેવામાં આવી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ભારતીય નાગરિકતા લેતાં પહેલા ત્રણ વર્ષ પહેલાં જ સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું. કોર્ટે રાજ્ય સરકારને પણ નોટિસ જારી કરી છે અને TCR મગાવ્યો છે. હવે આગામી સુનાવણી છઠ્ઠી જાન્યુઆરીએ યોજાશે.

મામલો શું છે?

આરોપ છે કે 1980ની મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ હતું, જ્યારે તેમણે 30 એપ્રિલ, 1983એ ભારતીય નાગરિકતા મેળવી હતી. યાચિકામાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે નાગરિક ન હોય ત્યારે 1980માં મતદાર યાદીમાં નામ કેવી રીતે ઉમેરાયું? યાચિકામાં દાવો છે કે 1982માં તેમનું નામ મતદાર યાદીમાંથી કાઢી પણ નાખવામાં આવ્યું હતું. એ સાથે જ પૂછવામાં આવ્યું છે કે જ્યારે નાગરિકતા 1983માં મળી, ત્યારે 1980માં મતદાર યાદીમાં નામ ધરાવવા માટે કયા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા? શું તેમાં ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો?