નવી દિલ્હીઃ કોલકાતા પોલીસે કરોડો રૂપિયાની છેતરપિંડીના માસ્ટરમાઇન્ડ મહેન્દ્ર ગોયેન્કાને દિલ્હીમાથી ધરપકડ કરી છે. આ સમગ્ર મામલો ભાજપના ધારાસભ્ય સંજય પાઠકના પરિવારની કંપની ‘મેસર્સ યુરો પ્રતીક ઇસ્પાત કંપની’ સાથે જોડાયેલો છે. આરોપ છે કે ગોયેન્કાએ ખોટા હસ્તાક્ષરો અને નકલી દસ્તાવેજોને આધારે કંપનીનું નિયંત્રણ તેમ જ તેની કરોડોની સંપત્તિ પર કબજો જમાવવાનું ષડયંત્ર રચ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ શનિવારે કોલકાતા પોલીસે સાયબર ટીમ અને બાતમીદારોની મદદથી દિલ્હીમાં દરોડા પાડ્યા હતા. ત્યાંથી આરોપી મહેન્દ્ર ગોયેન્કાની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાન્ઝિટ રિમાન્ડની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેને કોલકાતા લઈ જવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓનો દાવો છે કે આ સમગ્ર મામલો અંદાજે 1000 કરોડ રૂપિયાની નાણાકીય ગેરરીતિઓ સાથે સંકળાયેલો છે.
MP, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં કેસ નોંધાયેલા
મહેન્દ્ર ગોયેન્કા વિરુદ્ધ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના કોલકાતામાં FIR નોંધવામાં આવી છે. એ ઉપરાંત મુંબઈ સ્થિત NCLTએ પણ પોતાના એક આદેશમાં ગોયેન્કા અને તેમની પત્નીના કેટલાક નાણાકીય વ્યવહારો અંગે ટિપ્પણી કરી હતી. તેમની બીજી કંપની ‘નિસર્ગ ઇસ્પાત’ પણ હવે તપાસ એજન્સીઓના રડાર પર છે.
કટની સાથે પણ સંબંધ
મેસર્સ યુરો પ્રતીક ઇસ્પાત કંપની ધારાસભ્ય સંજય પાઠકના પરિવારની માલિકીની કંપની હતી. તેમાં વરિષ્ઠ મેનેજર તરીકે કામ કરતી વખતે ગોયેન્કાએ કટનીના બે ડિરેક્ટર હરપ્રીત લાંબા અને સુરેન્દ્ર સલૂજાના ખોટા હસ્તાક્ષરો કરીને તેમને પદ પરથી હટાવી દીધા હતા. આરોપ છે કે તેમની જગ્યાએ તેણે પોતાના ત્રણ સાથીદારોને કંપનીમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી દીધી હતી. ત્યાર બાદ કંપનીની FD, સંપત્તિઓ અને નાણાકીય લેવડદેવડમાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી હતી.
ત્યાર બાદ અહીં પણ FIR નોંધાઈ
છેતરપિંડીનો ભાંડો ફૂટતાં ફરિયાદી હરનીત લાંબા અને સુરેન્દ્ર સલૂજાએ કટનીના કોતવાલી અને માધવનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. ફરિયાદી હરનીત લાંબાએ મહેન્દ્ર ગોયંકાને સમગ્ર ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર ગણાવ્યો છે.
ગોયંકાના ચાર અન્ય સાથીદારો હજુ ફરાર
ગોયંકાના રાયપુર નિવાસી સહયોગીઓ હિમાંશુ શ્રીવાસ્તવ, સન્મતિ જૈન, સુનીલ અગ્રવાલ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ પણ છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોના બે કેસ નોંધાયેલા છે. આ ચારેએ ધરપકડથી બચવા માટે સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા જામીન (Anticipatory Bail) માટે અરજી કરી હતી, પરંતુ તેમની અરજીઓ નામંજૂર થઈ ગઈ હતી. તેમ છતાં, છેલ્લા એક વર્ષથી ચારેય ફરાર હોવાનું જણાવવામાં આવ્યું છે.




