નવી દિલ્હીઃ દિલ્હી સરકારના આરોગ્ય વિભાગમાં કરોડો રૂપિયાનાં મેડિકલ સાધનોની ખરીદીમાં થયેલા કથિત કૌભાંડને લઈને મામલો વધુ ગંભીર બન્યો છે. હવે આ કેસમાં EDએ કેન્દ્રીય ખરીદી એજન્સી CPA (સેન્ટ્રલ પ્રોક્યોરમેન્ટ એજન્સી) સાથે સંબંધિત મેડિકલ સાધનોની ખરીદીના કેસના દસ્તાવેજો માગ્યા છે.
અત્યાર સુધી આ મામલાની તપાસ દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) દ્વારા કરવામાં આવી રહી હતી. તપાસ એજન્સીને શંકા છે કે ખરીદી પ્રક્રિયા દરમિયાન ચોક્કસ સપ્લાયરોને લાભ પહોંચાડવા માટે ખાસ ટેક્નિકલ સ્પેસિફિકેશન્સ તૈયાર કરવામાં આવ્યાં હતાં અને વાસ્તવિક સ્પર્ધકોને ટેન્ડર પ્રક્રિયાથી બહાર રાખવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ રૂ. 350 કરોડથી વધુની સરકારી રકમનો કથિત રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હતો. EDએ ધનશોધન નિવારણ અધિનિયમ (PMLA), 2002 હેઠળ CPA અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસિસ (DGHS) પાસેથી સંબંધિત રેકોર્ડ અને દસ્તાવેજોની માગ કરી છે. આ ઉપરાંત પોર્ટેબલ એક્સ-રે મશીનો, C-આર્મ રેડિયોલોજિકલ ઉપકરણો, એનેસ્થેશિયા વર્કસ્ટેશન, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન (ORS), બેડશીટ કવર, સર્જિકલ સામગ્રી, જેમાં ડ્રેસિંગ સામગ્રી, ટાંકા, કેન્યુલા, હાથમોજાં તેમ જ દવાઓની ખરીદી સંબંધિત વિગતો પણ માગવામાં આવી છે.
તપાસ એજન્સીએ DGHSનાં મહાનિદેશક ડો. સુષમા જૈનને લખેલા પત્રમાં ટેન્ડર પ્રક્રિયા, ટેક્નિકલ અને નાણાકીય મૂલ્યાંકન, કોન્ટ્રાક્ટ ફાળવણી, સપ્લાય, નિરીક્ષણ, મંજૂરી અને ખરીદી માટે કરવામાં આવેલી ચુકવણીઓની વિગતો પણ માગી છે. એ સાથે જ ઉત્પાદકો, તેમના અધિકૃત વિતરકો અથવા વેચાણકારો સાથે થયેલા વ્યવહારો અને ખરીદી સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓ વિશે પણ માહિતી માગવામાં આવી છે.

આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે ગયા અઠવાડિયે ACBએ સરકારી હોસ્પિટલો માટે દવાઓ અને મેડિકલ સાધનોની ખરીદીમાં થયેલી કથિત ગેરરીતિઓના કેસમાં ડો. વિનોદ કુમાર રંગાની ધરપકડ કરી હતી. હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે. ડો. રંગા જાહેર આરોગ્ય સુવિધાઓ માટે દવાઓ અને મેડિકલ સાધનોની ખરીદી માટે જવાબદાર નોડલ એજન્સી CPAના કાર્યાલયના વડા તરીકે ફરજ બજાવતા હતા. મે મહિનામાં વિજિલન્સ ડિરેક્ટોરેટ દ્વારા CPA કચેરી પર દરોડા પાડ્યા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કથિત કૌભાંડના આરોપો વચ્ચે DGHSની પૂર્વ મહાનિદેશક ડો. વત્સલા અગ્રવાલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.




