કોલકાતાઃ ગ્રાહકોને વધુ સારો અનુભવ પૂરો પાડતી સેવાઓ અને AI ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ આપતી કંપની ફ્યુઝન સીએક્સ લિમિટેડે કંપનીના રૂ. 702 કરોડના આઈપીઓ માટે શેરદીઠ રૂ. 275થી રૂ. 289ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. કંપનીનો આઈપીઓ બુધવાર, 14 ઓક્ટોબરે ખૂલશે અને શુક્રવાર, 16 ઓક્ટોબરે બંધ થશે, જ્યારે એન્કર બુક સબ્સ્ક્રિપ્શન માટે મંગળવાર, 13 ઓક્ટોબરે ખૂલશે.
કોલકાતામાં મુખ્ય મથક ધરાવતી આ કંપનીનો આઈપીઓ બે ભાગમાં વહેંચાયેલો છે. તેમાં રૂ. 500 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યુ અને કંપનીના પ્રમોટર શેરધારકો પીએનએસ બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડ અને રશિશ કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 202 કરોડ સુધીના ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર (OFS)નો સમાવેશ થાય છે.
ફ્યુઝન સીએક્સ ફ્રેશ ઇશ્યુમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ નીચે મુજબ કરવાની યોજના ધરાવે છે. કંપની અને તેની કેટલીક પેટા કંપનીઓએ લીધેલી બાકી લોનની ચુકવણી અથવા અગાઉથી ચુકવણી કરવા માટે રૂ. 275 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, IT ટુલ્સ (આર્યા અને માઇન્ડવોઇસ)ને અપગ્રેડ કરવા માટે કંપનીની પેટા કંપનીઓની પેટા કંપનીઓ એવી Omind ટેક્નોલોજીસ ઇન્કોર્પોરેશન અને Omind ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડમાં રૂ. 61 કરોડનું રોકાણ કરવામાં આવશે. બાકીની રકમનો ઉપયોગ ઓળખ નક્કી ન કરાયેલી કંપનીઓના હસ્તાંતરણ દ્વારા વ્યવસાયનો વિસ્તાર કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
🌐 Upcoming Fusion CX Mainboard IPO 🚀
📅 IPO Dates: 14–16 Oct 2026
🏷️ Price Band: ₹275–₹289
📦 Lot Size: 51 Shares
💰 Issue Size: ₹702 Crore
📊 QIB: 75% | HNI: 15% | Retail: 10%📲 Stay Tuned for Upcoming IPO Updates! 🔔
— Dr. Mukul Agrawal (@themukulagrawal) October 9, 2026
પંકજ ધનુકા અને કિશોર સારાવોગીએ સહસ્થાપક તરીકે વર્ષ 2004માં ફ્યુઝન સીએક્સની સ્થાપના કરી હતી.
બિઝનેસ પ્રોસેસ સોલ્યુશન્સ અને સેવાઓ પૂરી પાડતી આ કંપની ટેલિકોમ અને યુટિલિટીઝ, હેલ્થકેર અને લાઇફ સાયન્સિસ, હાઈ-ટેક ગ્રોથ એન્ડ ટ્રાવેલ (એચટીટી), બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા (BFSI) તેમ જ રિટેલ જેવાં મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ, પોર્ટુગીઝ, જર્મન, અરેબિક, મેન્ડરિન, ઇટાલિયન અને હિન્દી સહિત કુલ 28 ભાષાઓમાં સેવાઓ પૂરી પાડે છે.
નાણાંકીય વર્ષ 2026માં ફ્યુઝન સીએક્સે કામગીરીમાંથી રૂ. 1818 કરોડની આવક અને કરવેરા બાદ રૂ. 169 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. 30 જૂન, 2026ની સ્થિતિએ કંપનીમાં 13,735 કર્મચારીઓ કાર્યરત હતા. કંપની 13 દેશોમાં કામગીરી ધરાવે છે અને વ્યૂહાત્મક રીતે મહત્ત્વનાં સ્થળોએ તેનાં 40 સેવા કેન્દ્રો આવેલાં છે. આ કેન્દ્રોના માધ્યમથી કંપની વિવિધ સમય ક્ષેત્રોમાં ચોવીસ કલાક, અઠવાડિયાના સાતેય દિવસ ગ્રાહકોને સહાય પૂરી પાડે છે.
કંપનીના 208 ગ્રાહકોના પોર્ટફોલિયોમાં ફોર્ચ્યુન 1000ની યાદીમાં સામેલ 22 કંપનીઓનો સમાવેશ થાય છે. તેના કેટલાક મુખ્ય ગ્રાહકોમાં ડીએમઈસી કેપિટલ સર્વિસીસ, પાર્કવેસ્ટ, ટેલેઇડ, અચીવ કલેક્શન, એમેરિફ્લેક્સ, કોસ્ટલાઇન, અજિયો, મીશો, કોલકોર મિડિયા, અરવિંદ ફેશન, પ્રોપન્યુ એસ.એ., લિયોનાર્ડો હોટેલ્સ, ઇન્શ્યોરન્સ એક્સપ્રેસ, કે2 ક્લેઇમ્સ સર્વિસિસ, સેન્ટ્રી ક્રેડિટ અને ત્રાયા સામેલ છે.




