નવી દિલ્હીઃ દેશનું મોબાઇલ અને ડિજિટલ માળખું અપેક્ષા કરતાં વધુ વિકસિત થયું છે. હવે તે શાસન અને જાહેર સેવાઓ લોકો સુધી પહોંચાડવાનું એક મુખ્ય માધ્યમ બની ગયું છે. સરકારની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) વ્યવસ્થા દ્વારા લગભગ પાંચ લાખ કરોડ રૂપિયા ખોટા હાથોમાં જતા બચાવવામાં આવ્યા છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. નવી દિલ્હીના યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતાં તેમણે જણાવ્યું હતું કે હવે સરકારની સેંકડો સેવાઓ મોબાઇલ ફોન દ્વારા ઉપલબ્ધ છે. ડીબીટી વ્યવસ્થા હેઠળ અત્યાર સુધીમાં 50 લાખ કરોડ રૂપિયા સીધા લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવ્યા છે.
છેલ્લા એક દાયકામાં ટેલિકોમ્યુનિકેશન ટેક્નોલોજીની ભૂમિકામાં આવેલા બદલાવ પર પ્રકાશ પાડતાં તેમણે કહ્યું હતું કે મોબાઇલ ફોન હવે સુશાસનનું સાધન બની ગયો છે. ડીબીટીએ માત્ર સરકારી નાણાં સીધા લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં જ મદદ કરી નથી, પરંતુ આ નાણાં ખોટા હાથોમાં જતાં અટકાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. અગાઉની વ્યવસ્થાનો લાભ લેતા લોકોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આવા લોકોની કમાણી બંધ થઈ ગઈ હોવાથી તેમને મોદી પસંદ નહીં હોય. તેમણે ઉમેર્યું હતું કે બદલાવનો વિરોધ થવા છતાં તેઓ સુધારા લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. અગાઉ ખોટા હાથોમાં જતાં બચાવાયેલાં નાણાંનો હવે યોગ્ય હેતુ માટે ઉપયોગ થઈ રહ્યો છે.મોદીએ ડિજિટલ કનેક્ટિવિટીના વિસ્તરણ અને જાહેર સેવાઓને વધુ સુલભ બનાવવામાં તેની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે મોબાઇલ ફોન હવે માત્ર વાતચીત કે ચેટ કરવાનું સાધન રહ્યો નથી. તેના કારણે મુસાફરીમાં ઘટાડો થયો છે, રાહ જોવાનો સમય ઓછો થયો છે અને સુવિધાઓ વધી છે. દેશના નાગરિકોને ટેક્નોલોજીથી મળતો આ સૌથી મોટો લાભ છે.
₹50 LAKH CRORE transferred. ₹5 LAKH CRORE saved.
Speaking at the India Mobile Congress, PM Narendra Modi Ji (@narendramodi )
highlights how Digital Governance has transformed service delivery in India.Through Direct Benefit Transfer (DBT), around ₹50 lakh crore has been transferred directly into beneficiaries’ bank accounts, while approximately ₹5 lakh crore was prevented from falling into the wrong hands.
A massive leap in transparency, efficiency and digital governance.
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) October 8, 2026
તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં 10થી 12 વર્ષમાં મોબાઇલ ફોન પોતાની પરંપરાગત વાતચીત કરવાની ભૂમિકાથી ઘણો આગળ વધી ગયો છે અને હવે તે શાસન વ્યવસ્થાનું માધ્યમ બન્યો છે. એક દાયકા પહેલાં ડિજિટલ વિભાજન એક મોટો પડકાર હતો. નવી ટેક્નોલોજીનો લાભ ઝડપથી માત્ર અમુક લોકો સુધી સીમિત થઈ રહ્યો હતો. આ પડકારનો સામનો કરવા માટે સરકારે ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ મોબાઇલ ફોનને પોતાની ડિજિટલ વ્યૂહરચનાના કેન્દ્રમાં રાખ્યો છે.




