નવી દિલ્હીઃ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (CPC)ના એક પ્રતિનિધિમંડળે સોમવારે દિલ્હીમાં ભાજપના નેતૃત્વ સાથે ચર્ચા કરી હતી. તેના એક દિવસ બાદ મંગળવારે આ પ્રતિનિધિમંડળે દિલ્હીમાં RSSના મુખ્યાલયમાં સંઘના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેને કારણે કોંગ્રેસ અને સત્તાધારી પાર્ટી વચ્ચે રાજકીય ટકરાવ શરૂ થયો છે. કોંગ્રેસે ભાજપ પર પાખંડનો આરોપ લગાવતાં આ બેઠકને આત્મસમર્પણ ગણાવી છે. બીજી તરફ ભાજપે કહ્યું હતું કે આ ચર્ચાઓ આંતર-દળ સંચારને આગળ વધારવા પર કેન્દ્રિત હતી, જ્યારે RSSએ આ મુલાકાતને શિષ્ટાચાર ભેટ તરીકે વર્ણવી છે.
RSSના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ એક શિષ્ટાચાર ભેટ હતી. વિનંતી તેમની તરફથી આવી હતી અને અમે તેને સ્વીકારી હતી. બેઠકનો કોઈ નક્કી એજન્ડા નહોતો. એ સાથે જ તેમણે જણાવ્યું હતું કે RSS પ્રમુખ મોહન ભાગવત પ્રવાસ પર હોવાને કારણે બેઠકમાં હાજર નહોતા.
ચીની પ્રતિનિધિમંડળની RSS નેતાઓ સાથે મુલાકાત
ચીની પ્રતિનિધિમંડળે RSSના મહાસચિવ દત્તાત્રેય હોસબળે અને તેમની ટીમ સાથે લગભગ એક કલાક સુધી બેઠક કરી. સોમવારે CPC પ્રતિનિધિમંડળ અને ભાજપ વચ્ચે થયેલી ચર્ચામાં પાર્ટીઓ વચ્ચે પરસ્પર સંવાદ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ RSS સાથે મહત્વપૂર્ણ સંપર્ક ધરાવતા ભાજપના નેતાઓ પણ આ ચર્ચામાં સામેલ હતા. RSSના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ સંસ્થા અને તેના કાર્યપ્રણાલી વિશે જાણવાની ઉત્સુકતા ધરાવતા હતા. અમે તેમને અમારા 100 વર્ષની સફર, સમાજમાં કરેલાં કાર્યો અને અમારા દૃષ્ટિકોણ વિશે વિગતે માહિતી આપી હતી.
કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર
આ મુદ્દે કોંગ્રેસ નેતા પવન ખેડાએ આ બેઠકને નબળું આત્મસમર્પણ ગણાવ્યું. ખેડાએ નિવેદનમાં કહ્યું હતું કે આત્મસમર્પણ — ભાજપની ચીન પ્રત્યેની નીતિ માટે આ સૌથી યોગ્ય શબ્દ છે. ચીન સાથેના વર્તનમાં મોદી સરકારની દ્વિચરિત્રતાએ ભારતની વિદેશ નીતિને ગૂંચવી નાખી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપની ‘લાલ આંખ’ની વાતો CPC માટે ‘લાલ સલામ’માં ફેરવાઈ ગઈ છે.
Ms Sun Haiyan, Vice Minister, International Dept of Communist Party of China (IDCPC) visited today BJP head Office. During the meeting we discussed how to enhance communication and interaction between BJP and CPC. 🇮🇳🤝🇨🇳 pic.twitter.com/KdBZVyYUMW
— Arun Singh (@ArunSinghbjp) January 12, 2026
ભાજપનો કોંગ્રેસના આરોપો પર જવાબ
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તુહિન સિંહાએ કહ્યું કે આ બેઠકો ભારત અને ચીન વચ્ચે સુધરતા સંબંધોને દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે પરિસ્થિતિ સારી બને ત્યારે ઔપચારિક બેઠકો થાય છે અને આ પણ એવી જ એક ઔપચારિક બેઠક હતી.




