સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં સુધારા અને ભારતની કાયમી સભ્યપદની માંગણીને વૈશ્વિક મંચ પર વધુ એક મોટું બળ મળ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના સત્ર દરમિયાન રશિયાએ ભારતની દાવેદારીનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રશિયા ભારત અને બ્રાઝિલને યુએનએસસીમાં કાયમી સભ્ય બનાવવાના પક્ષમાં છે, પરંતુ પશ્ચિમી દેશો માટે નવી કાયમી બેઠકો ઉમેરવાનો સખત વિરોધ કરે છે.
એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાને મળે યોગ્ય સ્થાન: રશિયા
રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે મહાસભાને સંબોધિત કરતા કહ્યું કે, સુરક્ષા પરિષદમાં સુધારાનો મુખ્ય હેતુ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા જેવા વિકાસશીલ પ્રદેશો ભાગીદારી વધારવાનો હોવો જોઈએ. તેમણે ખાસ કરીને જર્મની અને જાપાનને નવી કાયમી સીટ આપવાના દાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. રશિયાનું માનવું છે કે વર્તમાન વૈશ્વિક સંતુલન જાળવવા માટે આફ્રિકન ખંડ અને ગ્લોબલ સાઉથના હિતોને પ્રાધાન્ય આપવું જરૂરી છે.

અન્ય દેશોએ પણ ભારતની દાવેદારી વધાવી
યુએન મહાસભાની આ ચર્ચા દરમિયાન ભારતને અન્ય દેશોનો પણ વ્યાપક ટેકો સાંપડ્યો હતો:
મોરિશિયસ: વિદેશ મંત્રી ધનંજય રામફુલે G4 અને L69 જૂથના વલણને દોહરાવતા ભારતની કાયમી સભ્યપદની દાવેદારીને પૂર્ણ સમર્થન આપ્યું હતું.
પોર્ટુગલ: વડાપ્રધાન લુઈસ મોન્ટેનેગ્રોએ જણાવ્યું હતું કે સુરક્ષા પરિષદ વધુ સમાવેશી બનવી જોઈએ, જેમાં ભારત, બ્રાઝિલ અને આફ્રિકાને કાયમી પ્રતિનિધિત્વ મળવું જોઈએ.
વૈશ્વિક સ્તરેથી ઉઠેલી સુધારાની માંગ
બીજી તરફ, જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઈચી અને માર્શલ આઈલેન્ડ્સે પણ યુએનએસસીમાં ફેરફારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તે જ સમયે, આફ્રિકન દેશો તરફથી પણ મજબૂત અવાજ ઉઠ્યો હતો. સિયેરા લિયોનના રાષ્ટ્રપતિ જુલીયસ માડા બાયોએ આકરા પ્રહારો કરતા કહ્યું કે, “વર્તમાન UNSC હજુ પણ 1945 ના જૂના વિશ્વને દર્શાવે છે. 1.6 અબજથી વધુની વસતી ધરાવતા આફ્રિકા ખંડ પાસે પરિષદમાં એક પણ કાયમી સીટ નથી, જે અન્યાયી છે.”
કેવી રીતે કામ કરે છે UNSC અને શું છે પડકાર?
ઉલ્લેખનીય છે કે, UNSC માં કુલ 15 સભ્ય દેશો હોય છે. જેમાં 5 કાયમી સભ્યો (ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકા) પાસે વીટો (Veto) પાવર છે, જ્યારે 10 અસ્થાયી સભ્યો 2 વર્ષના સમયગાળા માટે ચૂંટાય છે. સુરક્ષા પરિષદમાં નવા કાયમી સભ્યો ઉમેરવા માટે UN ચાર્ટરમાં સુધારો કરવો પડે છે. આ માટે યુએન મહાસભામાં બે-તૃતીયાંશ બહુમતી અને વર્તમાન તમામ 5 કાયમી સભ્ય દેશોની મંજૂરી મેળવવી ફરજિયાત છે.






