નવી દિલ્હીઃ વિશ્વભરમાં વધતા ઊર્જા સંકટ અને મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે રશિયાએ દક્ષિણ એશિયાના દેશો- ખાસ કરીને ભારત અને બાંગ્લાદેશ માટે એક ખૂબ આકર્ષક પરંતુ જોખમી પ્રસ્તાવ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકા દ્વારા આકરા પ્રતિબંધ લાગેલા પોતાના ગેસ પ્લાન્ટમાંથી રશિયા LNG વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગયા સપ્તાહે રશિયાએ આ શિપમેન્ટ્સ પર બજાર ભાવ કરતાં લગભગ 40 ટકા સુધીની ભારે છૂટ આપવાની ઓફર કરી છે. આ ઓફર ત્યારે આવી છે જ્યારે હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) બંધ થવા અને કતારના મોટા ગેસ પ્લાન્ટ પર હુમલાઓને કારણે વિશ્વભરમાં ગેસ સપ્લાય લગભગ 20 ટકા સુધી ઘટી ગયો છે, જેને કારણે કિંમતો આસમાને પહોંચી ગઈ છે.
રશિયાની ઓફર શું છે?
રશિયા આ વેપાર સીધો નહીં પરંતુ ચીન અને રશિયામાં આવેલી ઓછી જાણીતી મધ્યસ્થી કંપનીઓ મારફતે કરવા માગે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ કંપનીઓ એવા દસ્તાવેજો (Paperwork) તૈયાર કરવાની ખાતરી આપી રહી છે જેથી ગેસ રશિયાની નહીં, પરંતુ ઓમાન અથવા નાઇજિરિયા જેવા દેશોમાંથી આવી હોવાનું દેખાય.
હકીકતમાં કતાર તરફથી ગેસ સપ્લાય બંધ થવાને કારણે ભારત અને બાંગ્લાદેશ જેવા દેશોને મજબૂરીમાં ખૂબ મોંઘો ગેસ ખરીદવો પડી રહ્યો છે. બાંગ્લાદેશ, જે પોતાની લગભગ 60% ગેસ કતાર પાસેથી લેતું હતું, હવે સ્પોટ માર્કેટમાંથી બમણી કિંમતે ગેસ ખરીદી રહ્યું છે, જેની સીધા અસર ખાતર કારખાનાઓ અને વીજ ઉત્પાદન પર પડી છે.
હવે રશિયા ચીન સિવાય અન્ય દેશોને ગ્રાહક બનાવી પોતાની અર્થતંત્રને ટેકો આપવા માગે છે, પરંતુ અમેરિકાના દબાણના કારણે મોટા ભાગના ખરીદદારો હજુ અંતર જાળવી રહ્યા છે. જો ભારત અને બાંગ્લાદેશ આ ડીલ સ્વીકારશે, તો તેમને સસ્તી ગેસ મળશે અને ઔદ્યોગિક સંકટ ટળી શકે છે, પરંતુ સાથે આંતરરાષ્ટ્રીય કૂટનીતિક દબાણનું જોખમ પણ વધશે.




