ગાંધીનગર: અમદાવાદ સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતભરની પ્રમુખ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઈલ મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. ગાંધીનગર ખાતે આવેલા ડીજીપી (DGP) ઓફિસના સત્તાવાર ઈમેલ આઈડી પર આ ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, આ અનામી ઈમેઈલમાં અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતની જેલોને સંભવિત નિશાના પર હોવાનું જણાવવામાં આવ્યું છે. ધમકી મળતા જ રાજ્યભરના પોલીસ વડાઓ અને જેલ સત્તાવાળાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) અને સ્થાનિક પોલીસ દ્વારા જેસલો તથા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાબરમતી જેલ સહિતના સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ ઈમેઈલ મોકલનાર અજાણ્યા શખ્સને પકડવા માટે ટેક્નોલોજીની મદદથી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.




