નવી દિલ્હીઃ પાંચ સપ્ટેમ્બરે સચિન પાયલટને પંજાબ કોંગ્રેસના AICC મહાસચિવ અને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલનું સ્થાન લીધું છે. પાયલટની નિમણૂકને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચરણજિત સિંહ ચન્નીના જૂથ માટે રાહત તરીકે જોવામાં આવી રહી છે, જ્યારે અમરિંદર સિંહ રાજા વડિંગના સમર્થકો માટે તેને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. પંજાબ કોંગ્રેસમાં ચન્ની અને વડિંગ જૂથ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સંગઠનમાં મોટા ફેરફારની અટકળો ચાલી રહી હતી. જોકે રાજ્ય કોંગ્રેસમાં બહુ ઓછા લોકોને એવી અપેક્ષા હતી કે ફેરફાર પાર્ટીના મહાસચિવ અને રાજ્ય પ્રભારીના સ્તરે થશે.
આ જાહેરાત કોંગ્રેસના ટોચના નેતૃત્વની એ બેઠક બાદ કરવામાં આવી છે, જેની અધ્યક્ષતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરી હતી. આ બેઠકમાં પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલા જૂથવાદ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાયલટની નિમણૂકથી સંકેત મળે છે કે કોંગ્રેસ પંજાબમાં વિભાજિત સંગઠનને ફરીથી મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે હાલમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC)ના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા નથી. ચરણજિત સિંહ ચન્નીના જૂથમાં આ ફેરફારને એ સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે કે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં પાર્ટીના નેતૃત્વને લઈને તેમની ચિંતાઓને હવે દિલ્હીમાં કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ ગંભીરતાથી સાંભળી રહ્યું છે.

વડિંગ જૂથની પ્રતિક્રિયા
બીજી તરફ, વડિંગ જૂથે જાહેરમાં સચિન પાયલટની નિમણૂકનું સ્વાગત કર્યું છે. જોકે અંદરખાને આ નિર્ણયને લઈને ચિંતા પણ છે. કેટલાક નેતાઓને આશંકા છે કે AICC પ્રભારીમાં ફેરફાર બાદ આગળ જઈને પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વમાં પણ ફેરફાર થઈ શકે છે. આ પહેલાં ભૂપેશ બઘેલની પંજાબના પ્રભારી તરીકે ફેબ્રુઆરી, 2025માં નિમણૂક કરવામાં આવી હતી. રાજ્ય એકમમાં એકતા લાવવા અને સતત મળી રહેલા રાજકીય પડકારો વચ્ચે સંગઠનને મજબૂત કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. જોકે તેમના કાર્યકાળ દરમિયાન પાર્ટીની અંદરના મતભેદો વધુ ઘેરા બન્યા હતા. જુલાઈ, 2026માં કોંગ્રેસે અમરિંદર સિંહ રાજા વડિંગને પ્રદેશ અધ્યક્ષ તરીકે યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ચરણજિત સિંહ ચન્નીને પાર્ટીની ચૂંટણીપ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ બંને જૂથો વચ્ચેની ખેંચતાણ વધુ વધી હતી.




