બાબા સિદ્દીકી હત્યા કેસના આરોપી ઝીશાન અખ્તરના નામે સૈફ અલી ખાનને ધમકી

મુંબઈ: બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનને બાબા સિદ્દીકી હત્યા કેસમાં વોન્ટેડ આરોપી ઝીશાન અખ્તરના નામે જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના અહેવાલ સામે આવ્યા છે. મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ધમકી ખરેખર ઝીશાન અખ્તર દ્વારા આપવામાં આવી છે કે પછી કોઈ અન્ય વ્યક્તિ તેના નામનો ઉપયોગ કરીને અભિનેતાને નિશાન બનાવી રહી છે અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે, તેની સઘન તપાસ ચાલી રહી છે.વર્ષ ૨૦૨૪ના ઓક્ટોબર મહિનામાં રાજકારણી બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેમાં ઝીશાન અખ્તર આરોપી તરીકે સામેલ છે. આ અગાઉ આ જ મહિનામાં અભિનેતા તુષાર કપૂર અને આયુષ્માન ખુરાનાને પણ આવી જ ધમકીઓ મળી હતી. તે બંને કેસમાં પોલીસે બેંગલુરુથી વૈભવ મિશ્રા નામના ૩૦ વર્ષીય IIT ગ્રેજ્યુએટની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે વૈભવ મિશ્રાનો કોઈ ગુનાહિત ગેંગ સાથે સંબંધ નહોતો, પરંતુ તેણે કથિત રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ધમકીભર્યા સંદેશા મોકલ્યા હતા.

સૈફ અલી ખાનને મળેલી આ નવી ધમકી પાછળ અગાઉના કેસો જેવી કોઈ કડી છે કે કેમ, તે અંગે પણ પોલીસ દ્વારા અલગથી તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે હજુ સુધી સૈફ અલી ખાન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, જ્યારે મુંબઈ પોલીસ ધમકીના સ્ત્રોત અને તેની સત્યતાની ચકાસણી કરી રહી છે.