મુંબઈ: કોમેડિયન અને યુટ્યુબર સમય રૈનાએ સમગ્ર વિશ્વમાં યુટ્યુબ પર એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. યુટ્યુબ દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે સમય રૈના ૧૦ લાખ (૧ મિલિયન) પેઇડ ચેનલ મેમ્બર્સનો આંકડો પાર કરનાર વિશ્વનો પ્રથમ ક્રિએટર બન્યો છે. ગૂગલ ઇન્ડિયાના બ્લોગ દ્વારા આ સિદ્ધિની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ચેસના વિડિયોઝથી લઈને ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ જેવા લોકપ્રિય શો દ્વારા દર્શકો સાથે મજબૂત સમુદાય ઊભો કરવા બદલ તેની પ્રશંસા કરાઈ છે.
મેમ્બરશિપ પ્લાન અને દર્શકોનો પ્રતિસાદ
સમય રૈનાની યુટ્યુબ ચેનલ પર ચાહકોને સપોર્ટ કરવા માટે ત્રણ પેઇડ મેમ્બરશિપ ટાયર ઉપલબ્ધ છે, જેમાં ‘સમય કે દોસ્ત’ (માસિક ₹૫૯), ‘સમય કે ખાસ’ (માસિક ₹૫૯૯) અને ‘સાઇલેન્ટ સપોર્ટર’ (માસિક ₹૧,૯૯૯)નો સમાવેશ થાય છે. હાલમાં સમય રૈનાની ચેનલ પર ૧.૨૪ કરોડ (૧૨.૪ મિલિયન)થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. યુટ્યુબના જણાવ્યા અનુસાર, ભારતમાં પેઇડ ચેનલ મેમ્બરશિપ લેનારા દર્શકોની સંખ્યા સતત વધી રહી છે અને જૂન ૨૦૨૬માં જ ૧૨ લાખથી વધુ ચાહકોએ મેમ્બરશિપ ખરીદી હતી.
વિવાદમાંથી શાનદાર વાપસી
આ સિદ્ધિ સમય રૈના માટે ખાસ મહત્વની છે કારણ કે ફેબ્રુઆરી ૨૦૨૫માં ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શો દરમિયાન થયેલા વિવાદ બાદ તેની કારકિર્દીમાં મુશ્કેલ સમય આવ્યો હતો. રણવીર અલ્હાબાદિયાની ટિપ્પણી બાદ વિવાદ વધતા શોના એપિસોડ્સ હટાવી લેવાયા હતા અને અનેક એફઆઈઆર (FIR) પણ નોંધાઈ હતી. ત્યારબાદ સમય રૈનાએ પોતાના સ્ટેન્ડ-અપ સ્પેશિયલ ‘સ્ટીલ અલાઇવ’ (Still Alive) દ્વારા વાપસી કરી હતી અને ૨૦૨૬માં નેટફ્લિક્સ સાથે મળીને શોની બીજી સીઝન પણ રજૂ કરી હતી. બીજી સીઝનના ફિનાલેમાં તેણે ખુલાસો કર્યો હતો કે મુશ્કેલ સમય દરમિયાન તે નિરાશ હતો અને શોના ભવિષ્ય અંગે ચેટજીપીટી (ChatGPT) પાસેથી પણ આશ્વાસન શોધતો હતો.




