પટનાઃ બિહારના નવા મુખ્ય મંત્રી તરીકે સમ્રાટ ચૌધરી આજે શપથ લેશે. રાજ્યના રાજકારણમાં લાંબા સમય સુધી નેતૃત્વ કરનાર નીતીશકુમારે રાજ્યસભાની ચૂંટણી જીત્યા બાદ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું છે. મંગળવારે ભાજપ વિધાનમંડળ દળની બેઠકમાં નવા નેતાની પસંદગી બાદ એનડીએ વિધાનમંડળ દળની બેઠક યોજવામાં આવી હતી, જેમાં સમ્રાટ ચૌધરીને સર્વસંમતિથી ગઠબંધનનો નેતા પસંદ કરવામાં આવ્યા હતા.
બિહારના નવા મુખ્યમંત્રીની પસંદગીમાં જાતીય સમીકરણ સહિત અનેક મહત્વપૂર્ણ પરિબળોએ ભૂમિકા ભજવી હતી. ભાજપ તરફથી સમ્રાટ ચૌધરી, નિત્યાનંદ રાય અને સંજય ટાઈગર જેવાં ઘણાં નામો આ પદની દોડમાં હતાં. બીજી તરફ જેડીયુ કાર્યકર્તાઓ તરફથી નિશાંત કુમારને નેતૃત્વ સોંપવાની માગ ઊઠી હતી. જોકે અંતે સમ્રાટ ચૌધરીને રાજ્યની કમાન સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો. અત્યાર સુધી બિહારમાં 23 મુખ્ય મંત્રીઓએ શાસન કર્યું છે.
વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવ બનશે ડેપ્યુટી સીએમ
બિહારમાં ડેપ્યુટી સીએમ માટે નામો નક્કી થઈ ગયાં છે. વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવડાવવામાં આવે એવી શક્યતા છે. આ શપથવિધિ પટનામાં સવારે 11 વાગ્યે યોજાશે.
નીતીશ કુમારે સૌથી લાંબા સમય સુધી કર્યું શાસન
બિહારમાં સૌથી લાંબા સમય સુધી મુખ્ય મંત્રી તરીકે નીતીશકુમારે શાસન કર્યું છે. મુખ્ય મંત્રી તરીકે તેમનો કાર્યકાળ 19 વર્ષથી વધુ રહ્યો છે. બીજા ક્રમે શ્રીકૃષ્ણ સિંહનું નામ આવે છે, જે બિહાર રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી હતા. તેમણે ત્રણ વખત મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા અને તેમનો કાર્યકાળ 17 વર્ષ 52 દિવસનો હતો.

મુખ્ય મંત્રીના કાર્યકાળ સિવાય તેમની જાતિ પણ ખૂબ મહત્વપૂર્ણ રહી છે. આજના સમયમાં કોઈ પણ રાજ્યમાં મુખ્ય મંત્રીની પસંદગી કરતી વખતે જાતિ પરિબળને અવગણવું મુશ્કેલ છે. દેશના લગભગ દરેક રાજ્યમાં રાજકીય પક્ષો આ પરિબળને ધ્યાનમાં લે છે.




