અંબાજીથી શરૂ થશે ધાર્મિક પરંપરાના રક્ષણનું રાજ્યવ્યાપી અભિયાન

અંબાજી : જગપ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે સનાતન ધર્મ, શાસ્ત્રોક્ત પરંપરાઓ અને કર્મકાંડી ભૂદેવોના પરંપરાગત અધિકારોના સંરક્ષણ અર્થે સનાતન ધર્મ સંસદ દ્વારા એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. મહામંડલેશ્વર પરમ પૂજ્ય ડોક્ટર જ્યોતિનાથજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં અંબાજી મંદિરના દેવસ્થાન ટ્રસ્ટના વહીવટ, ધાર્મિક બાબતોમાં વહીવટી હસ્તક્ષેપ, સેવાઓના વ્યાપારીકરણ અને ભ્રષ્ટાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.વહીવટી નિર્ણયો અને વ્યાપારીકરણ સામે વિરોધ

સનાતન ધર્મ સંસદે ભારપૂર્વક જણાવ્યું કે, ધર્મશાસ્ત્ર, આગમશાસ્ત્ર કે શાસ્ત્રોક્ત પરંપરાઓની પૂરતી સમજ વિના સરકારી અધિકારીઓ દ્વારા લેવાતા નિર્ણયોને કારણે શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. ધાર્મિક સ્થળોના વહીવટી નિર્ણયો લેતા પહેલાં શાસ્ત્રમર્મના વિદ્વાનોની સલાહ લેવી અનિવાર્ય છે.

આરોપ લગાવ્યો હતો કે પારદર્શિતાના અભાવે વિવિધ દેવસ્થાન ટ્રસ્ટોમાં વ્યાપારીકરણ અને ગેરરીતિઓ વધી રહી છે. મંદિર ટ્રસ્ટોનો મૂળ હેતુ શ્રદ્ધાળુઓની સુવિધા અને ધર્મસેવા હોવો જોઈએ, નહીં કે માત્ર આવક વધારવાનો.

સનાતન ધર્મ સંસદની મુખ્ય માંગણીઓ

  • ધાર્મિક વિધિઓનું વ્યાપારીકરણ બંધ કરવું: ધ્વજારોહણ, યજ્ઞશાળા અને ચંડીપાઠ જેવી પવિત્ર વિધિઓનું વ્યાપારીકરણ તાત્કાલિક ધોરણે અટકાવવું.

  • ભૂદેવોના અધિકારોનું રક્ષણ: સ્થાનિક કર્મકાંડી ભૂદેવોના પરંપરાગત હક્કો અને અધિકારો જાળવી રાખવા.

  • પારદર્શક તપાસ: ભંડારા ગણતરીના છેલ્લા ૧૨ મહિનાના CCTV ફૂટેજ જાહેર કરી નિષ્પક્ષ તપાસ કરવી તેમજ ચેરિટેબલ ટ્રસ્ટના નામે થતી ફરજિયાત વસૂલાતની તપાસ કરવી.

  • વહીવટદારનું રાજીનામું: અંબાજી મંદિરના વહીવટદાર તાત્કાલિક રાજીનામું આપે.

  • ૫૧ શક્તિપીઠોમાં નૈવેદ્ય પુનઃ શરૂ કરવું: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી કાળ દરમિયાન સ્થાપિત ૫૧ શક્તિપીઠોની પ્રાણપ્રતિષ્ઠિત મૂર્તિઓમાં કોવિડ સમયથી બંધ કરાયેલ દૈનિક થાળ અને નૈવેદ્યની પરંપરા તુરંત ચાલુ કરવી.સમગ્ર રાજ્યના યાત્રાધામોમાં યોજાશે સંસદ

આ અભિયાન માત્ર અંબાજી પૂરતું મર્યાદિત નહીં રહે. આગામી સમયમાં ડાકોર, સોમનાથ, દ્વારકા, સાળંગપુર અને પાવાગઢ સહિત ગુજરાતના તમામ પ્રમુખ યાત્રાધામોમાં સનાતન ધર્મ સંસદ યોજાશે. સ્થાનિક પ્રશ્નો, વહીવટી પારદર્શિતા અને પરંપરાઓના જતન અંગેની રજૂઆતો એકત્ર કરી રાજ્ય સરકાર સમક્ષ મુકવામાં આવશે.

આ બેઠકમાં સમસ્ત બ્રહ્મ સમાજ, પરશુરામ પરિવાર, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન, શ્રી પરશુરામ ફાઉન્ડેશન, કરણી સેના, પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, વણિક સમાજ સહિત વિવિધ સામાજિક સંગઠનોના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઋષિપુત્રો ઉપસ્થિત રહ્યા હતા.