ભારત-નેપાળ વચ્ચે શરૂ થઈ નવી ટ્રેન સેવા, PM મોદીએ બતાવી લીલી ઝંડી

ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા અને માતા સીતાની જન્મભૂમિ જનકપુર હવે રેલવે માર્ગે જોડાઈ છે. ભારત અને નેપાળ વચ્ચેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી બંને શહેરો વચ્ચે નવી ટ્રેન સેવા ‘સરયૂ-કમલા એક્સપ્રેસ’ શરૂ કરવામાં આવી છે.

અયોધ્યાધામ અને નેપાળના જનકપુરધામ વચ્ચે દોડનારી નવી ટ્રેન સરયૂ-કમલા એક્સપ્રેસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન શાહે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાધામ રેલવે સ્ટેશન પર ઉપસ્થિત રહ્યા હતા.આ ટ્રેન અયોધ્યાથી જનકપુર વચ્ચે 604 કિલોમીટરનું અંતર કાપશે અને અઠવાડિયામાં એક દિવસ દોડશે.

ક્યાં-ક્યાં રોકાશે સરયૂ-કમલા એક્સપ્રેસ?

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ટ્રેન અઠવાડિયામાં એક દિવસ દોડશે. અયોધ્યાથી જનકપુર વચ્ચે 604 કિલોમીટરનું અંતર કાપનારી આ ટ્રેન ઉત્તર પ્રદેશ અને બિહારનાં અનેક મહત્ત્વનાં શહેરોમાંથી પસાર થશે. આ ટ્રેન મનકાપુર, બસ્તી, ગોરખપુર, નરકટિયાગંજ, રક્સૌલ, સીતામઢી, શિશો હોલ્ટ, મધુબની અને જયનગર સ્ટેશનો પર રોકાશે.

સરયૂ-કમલા એક્સપ્રેસનું ટાઇમ ટેબલ

જનકપુરથી અયોધ્યા: ટ્રેન નંબર 15595 દર શનિવારે બપોરે 1:10 વાગ્યે (નેપાળના સમય અનુસાર) જનકપુરધામથી ઉપડશે અને રવિવારે સવારે 8:10 વાગ્યે અયોધ્યાધામ પહોંચશે. આ સેવા 28 નવેમ્બરથી શરૂ થશે.

અયોધ્યાથી જનકપુર: ટ્રેન નંબર 15596 દર સોમવારે સાંજે 5:50 વાગ્યે અયોધ્યાધામથી ઉપડશે અને મંગળવારે બપોરે 12:40 વાગ્યે (નેપાળના સમય અનુસાર) જનકપુરધામ પહોંચશે. આ સેવા 30 નવેમ્બરથી શરૂ થશે.

ટ્રેનમાં હશે 17 કોચ

સરયૂ-કમલા એક્સપ્રેસમાં કુલ 17 કોચ હશે. જેમાં 8 એસી કોચ, 7 સ્લીપર કોચ, એક પાવર કાર અને દિવ્યાંગ મુસાફરો માટે એક SLRD કોચનો સમાવેશ થાય છે. અયોધ્યાથી જનકપુર વચ્ચેનું 604 કિલોમીટરનું અંતર કાપવામાં ટ્રેનને આશરે 19 કલાકનો સમય લાગશે.

આ ટ્રેન શરૂ થવાથી ભારત અને નેપાળના મુસાફરોને બંને મહત્ત્વનાં ધાર્મિક સ્થળો વચ્ચે મુસાફરી કરવામાં સરળતા રહેશે. સાથે જ બંને દેશોની રામાયણ પરંપરા અને સાંસ્કૃતિક વારસાને પણ નવું જોડાણ મળશે.